કામદાર હડતાળથી બેન્કિંગ, ટપાલ, પરિવહન સેવાને અસર

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારની મજૂર વિરોધી નીતિ અને ટ્રેડ યુનિયન્સ એકટમાં સૂચિત સુધારાના વિરોધમાં કેન્દ્રના ૧૧ જેટલા મજૂર સંગઠનોએ આપેલા હડતાળ એલાનને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો હતો. આજે બેંક, વીમા, આયકર, પોસ્ટ, પરિવહન, વીજળી, ટેલિકોમ ક્ષેત્રના ૧પ કરોડ જેટલા કામદારો કામકાજથી દૂર રહેતા આ સેવાઓને અસર પહોંચી હતી.

કામદારોએ આજે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન-દેખાવો- રેલી ધરણાં યોજી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. દેશભરમાં હડતાળને કારણે પ.બંગાળ અને કેરળ સહિત વિવિધ વિસ્તારોમાં જનજીવનને અસર થઇ હતી. પ. બંગાળમાં સીપીએમ અને તૃણમૂલના કાર્યકરો વચ્ચે અથડામણ થતા પોલીસને લાઠીચાર્જ કરવો પડયો હતો. પ. બંગાળમાં બંધની ભારે અસર જોવા મળી હતી. અહીં દેખાવકારોએ નોર્થ ર૪ પરગણા જિલ્લામાં કેટલીક ટ્રેનો રોકી હતી. હાવડામાં પણ અનેક ફેકટરીઓ બંધ રહી હતી. હિંસક ટોળાને વિખેરવા પોલીસને લાઠીચાર્જ કરવો પડયો હતો.

દિલ્હીમાં ઓટો રિક્ષા અને ટેકસીની હડતાળને કારણે લોકોને મુશ્કેલી હતી. તેલંગણા અને આંધ્રમાં બંધની અસર પડી હતી. બસ અને ઓટો ચાલ્યા ન હતા. બિહારના આરામાં ટ્રેનને રોકવામાં આવી હતી. ઝારખંડમાં કોલસા ઉત્પાદન ઉપર અસર પડી હતી. તામિલનાડુના કન્યાકુમારીમાં બંધની ભારે અસર જોવા મળી હતી. કેરળમાં સરકારી અને પ્રાઇવેટ બસો અને રિક્ષા અને ટેકસી બંધ રહ્યાં હતા. દુકાનો, હોટલો બંધ રહેવા પામી હતી. લેફટ પ્રભાવિત ત્રિપુરા પણ સજ્જડ બંધ રહ્યુ હતુ.

ભારતીય ઇતિહાસની સૌથી મોટી ગણાતી આ હડતાળ શ્રમ કાયદામાં ફેરફાર લાવીને વૈશ્વિક રોકાણકારો સમક્ષ ભારતની શ્રમતરફી ઇમેજને પ્રોજેકટ કરી રહેલી નરેન્દ્ર મોદી સરકાર માટે મોટો ફટકો છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોસિયેશને જણાવ્યું હતું કે, રપ જાહેર બેન્કો, ૧૧ ખાનગી બેન્કો અને નવ વિદેશી બેન્કોના ૧૩ લાખ કર્મચારી હડતાળમાં જોડાયા છે.

આ ઉપરાંત પ૬ પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, ૬પ૦ સહકારી બેન્કો, આરબીઆઇ, નાબાર્ડ અને સીડબીના કર્મચારી પણ જોડાયા છે. એલાન અપનાર ૧૧ ટ્રેડ યુનિયનોના કુલ ૧પ કરોડ કર્મચારીઓ શ્રમિકો જાહેર અને ખાનગી ક્ષેત્રમાં સક્રિય છે. યુનિયનના પ્રતિનિધિઓની મંત્રીઓના જૂથ સાથે યોજાયેલી બેઠકમા઼ કોઇ સમાધાન ન થતાં યુનિયનોએ હડતાળનો નિર્ણય કર્યો છે. જોકે ભાજપ સમર્થિત ભારતીય મજદૂર સંઘ (બીએમએસ) અને નેશનલ ફ્રન્ટ ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સે હડતાળમાં ન જોડાવાનો નિર્ણય કર્યો છે.

યુનિયનના નેતાઓએ કહ્યું હતું કે, હડતાળને કારણે વીજળી, ગેસસર્વિસ અને પેટ્રોલ-ડીઝલનો પુરવઠો ઠપ થઇ શકે છે. જોકે બીએમએસે કહ્યું છે કે આ તમામ સેવા સાથે સંકળાયેલા જાહેર ક્ષેત્રના કર્મચારીઓ-શ્રમિકોએ હડતાળમાં ન જોડાવાની જાહેરાત કરી હોવાથી અસર નહીં થાય. યુનિયનોએ ૧ર મુદ્દાની માંગણી સરકાર સમક્ષ રજૂ કરી હતી, જેમાં શ્રમ કાયદામાં સુધારા કરીને શ્રમિકો વિરોધી પ્રસ્તાવ ઉમેરાયા છે તે પાછા ખેંચી લેવા અને પીએસયુનું ડિસઇન્વેસ્ટમેન્ટ તથા તેનું ખાનગીકરણ બંધ કરવાની, સમાન લઘુમત વેતન, બોનસ માટે વેતનધારાની મર્યાદા વધારવા સહિતની માંગણીનો સમાવેશ છે. આ યુનિયનોએ ર૦૧૦થી ત્રણ વાર હડતાળ પાડી છે. છેલ્લે ફેબ્રુઆરી ર૦૧૩માં હડતાળ પાડી હતી.

આજે દેશભરમાં બેન્કિંગ અને વીમા પ્રવૃતિઓ થંભી ગઇ છે. આજે લગભગ પાંચ લાખ કર્મચારીઓ કેન્દ્ર સરકારની આર્થિક શ્રમ નીતિઓની સામે હડતાળ પર છે એમ યુનિયનોના નેતાઓએ જણાવ્યું હતું.

ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોસીએશનના જનરલ સેક્રેટરી સી. એચ. વેન્કટાચલમે જણાવ્યું હતું કે, દેશભરમાં લગભગ પ,૦૦,૦૦૦ બેન્કરો, કર્મચારીઓ અને ઓફિસરો આજે કામ પર નથી. જાહેર, ખાનગી, સહકારી અને ક્ષેત્રિય ગ્રામીણ બેન્કો હડતાળમાં ભાગ લઇ રહ્યા છે.

જોકે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક આ હડતાળમાં સામેલ નથી.  દરમ્યાન, આજે ૧૧ કેન્દ્રીય યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલી હડતાળની કોઇ ખાસ અસર નથી એમ સરકારે જણાવ્યું હતું. આ સાથે જ સરકારે રાષ્ટ્રહિતમાં યુનિયનોને હડતાળ પર ન જવાની અપીલ પણ કરી હતી. યુનિયનોએ જણાવ્યું છે કે હડતાળને લીધે ટ્રાન્સપોર્ટ, બેન્કિંગ અને વીજળી સપ્લાય, ગેસ અને તેલની સપ્લાયને અસર પહોંચી છે.

મુખ્ય માંગણીઓ કઇ ?– યુનિયન બન્યાના ૪પ દિવસની અંદર શ્રમ વિભાગમાં તેનું રજિસ્ટ્રેશન, કામદાર રાખવા માટે કોન્ટ્રાકટ પધ્ધતિની નાબૂદી.

– બોનસ મર્યાદા ૧૦૦૦થી વધારીને ર૦૦૦ અને ૩પ૦૦થી વધારી ૭૦૦૦ કરવામાં આવે.

– બેંકોનું ખાનગીકરણ રોકવુંઃ આઉટ સોર્સિંગ, મર્જરની પ્રથા બંધ કરવી.

– ખાનગી ક્ષેત્રના હાથમાં બેંકોનું સુકાન ન સોંપવું.

– ન્યુનતમ વેતન ર૦,૦૦૦ હોવું જોઇએ. દરેકને પેન્શન.

– યુનિયન બનાવવા માટે ૧૦૦ કર્મચારીઓ જ હોવા જોઇએઃ સૂચિત ૩૦૦નો નિયમ દૂર કરો. 

– લેબર કોડ ઓન ઇન્ડસ્ટ્રિયલ રિલેશન, ર૦૧પના નામે મજૂર કાયદામાં સુધારા અંગેના બિલ સંસદમાં રજૂ કરાયા છે. જેમાં ટ્રેડ યુનિયન એકટ, ૧૯ર૬, સ્ટેન્ડિંગ ઓર્ડર્સ એકટ, ૧૯૪૬, અને ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ એકટ, ૧૯૪૭ વગેરેનો સમાવેશ થાય છે. કાયદામાં થનારા સુધારા મજૂરોના વિરોધમાં હોવાથી વ્યાપક વિરોધ સર્જાયો છે.

– જાન્યુઆરીથી ૭મુ વેતનપંચ, મોંઘવારી ઉપર લગામ.

 

You might also like