કામચોર સરકારી કર્મચારીઓને મોદી સરકાર પાણીચું પકડાવશે

નવી દિલ્હી : અધિકારીઓની ટીમને તંદુરસ્ત કરવા માટે મોદી સરકાર એક એવી યોજના પર કામ કરી રહી છે જે સુસ્ત અને કામચોર અધિકારીઓને ભારે પડી શખે છે. સરકારની યોજના અનુસાર શંકાસ્પદ નિષ્ઠા અને ક્ષમતાવાળા અધિકારીઓને રવાનાં કરવાની છે. તેનાં માટે નિયમોથી માંડીને સિસ્ટમ સુધીની તમામ તૈયારી મોદી સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. સરકારે તેનાં માટે તમામ વિભાગો પાસે આવા અધિકારીઓની ઓળખ કરીને તેની યાદી મોકલવા માટે પણ જણાવ્યું છે. તેઓ જણાવ્યું કે આવા અધિકારીઓને સમય પહેલા જ સ્વેચ્છાનિવૃતિ લઇ લેવા માટેનો પ્રસ્તાવ મોકલવા માટે જણાવ્યું છે.

 ઓફીસર્સને વધારે જવાબદાર બનાવવા માટે હાલમાં જ કેબિનેટ સચિવ પી.કે સિન્હાની અધ્યક્ષતામાં બેઠક થઇ હતી. તેમાં આ પ્રકારની સિસ્ટમ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેનાં હેઠળ બોઝારૂપ અધિકારીઓને પાણીચુ પકડાવવામાં આવે. કાં તો અધિકારી સ્વેચ્છાએ નિવૃતિ લે અથવા તો પછી સરકાર પરાણે પાણીચુ પકડાવે. ત્યાર બાદ જ DoPT વિભાગ દ્વારા કાર્યવાહી કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. વિવિધ વિભાગોમાંથી આવા અધિકારીઓ અનિવાર્ય રીતે સેવાનિવૃત કરવા માટેનાં મુળ નિયમ (FR 56J)નાં પ્રવધાનોને પણ લાગુ કરવા માટે જણાવવામાં આવ્યું છે. 

આ નિયમાનુસાર સરકારે ક્લાસ -1 અને 2 અધિકારીઓને જનહિતમાં જરૂર હોય તો સેનાનિવૃત કરવા માટેનો અબાધિત અધિકાર છે. જેઓ 35 વર્ષની ઉંમર પહેલા સેવામાં આવ્યા હોય તેમને 50 વર્ષનું આયુષ્ય પુરૂ થઇ ચુક્યું હોય સરકાર તેમને નિવૃત કરી શકે.

નિયમ હેઠળ 55 વર્ષનું આયુષ્ય પાર કરી ચુકેલા ક્લાસ-3નાં કોઇ પણ સરકારી કર્મચારીને સમય પહેલા જ નિવૃત કરવાનો સરકાર પાસે અબાધિત અધિકાર હોય છે. પરંતુ આ કાર્યવાહી ત્યારે જ કરી શકાય જ્યારે અધિકારી પર ભ્રષ્ટાચાર અથવા તો નિષ્પ્રભાવી હોવાની શંકા હોય.

અત્રે ઉલ્લેખનીય છે કે ક્લાસ 1 અધિકારીઓમાં આઇએએસ, આઇપીએસ, ભારતીય વન સેવા, આઇઆરએસ જેવી અખીલ ભારતીય સેવાઓનાં અધિકારીઓ આવે છે જ્યારે ક્લાસ -2માં બિન ગેઝેટેડ ઓફીસર હોય છે. જ્યારે ક્લાસ -3માં ક્લાર્ક ગ્રેડનાં અને મંત્રાલયનાં કર્મચારીઓ આવે છે. જો કે સરકારનું વલણ જોતા તેવું કહી શકાય કે કામચોર સરકારી કર્મચારીઓનો સમય હવે પાકી ગયો છે. સરકારી નોકરી એટલે જલ્સાની જિંદગી તેવું વિચારસરણી બદલવાનો સમય પાકી ચુક્યો છે. આવા કામચોર અધિકારીઓ વિરુદ્ધ મોદી સરકાર સામ,દામ દંડ અને ભેદ તમામ હથિયારોનો ઉપયોગ કરીને સેવાનિવૃત કરવા માટે કટિબદ્ધ છે. 

You might also like