કાકી સાથે આડા સંબંધ હોવાનાં વહેમે એકનું ઢીમ ઢાળ્યું

ભરૃચ : ભરૃચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના માલજીપુરા ગામે સનસનાટીભરી ઘટના પરનો પડદો બનાવના ૩ દિવસ બાદ હુમલામાં ઈજા પામનાર બોલતો થયા બાદ બહાર આવ્યો હતો.જેમાં એક ઈસમની હત્યા થઈ હતી. હુમલો કરનારને શક હતો કે આ બે ઈસમ તેની કાકી સાથે આડા સંબંધ રાખે છે. એકને મોતને ઘાટ ઉતારનાર તથા બીજા પર જીવલેણ હુમલો કરનાર આરોપી વિરૃધ્ધ ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

માલજી પુરા ગામે  રહેતા સુરેશ સવજી વસાવા (ઉ.વ.૩૦) તથા નિતિન રતિલાલ વસાવા (ઉ.વ.૩૦) પર તેમના ગામમાં રહેતા કુંજન કેસુર વસાવાને શક હતો કે આ બંને ઈસમો તેની કાકી સાથે આડો સંબંધ રાખે છે. જેને લઈને તા. ૭-૯-૧૫ ના રોજ રાત્રે ૮-૩૦કલાકે કુંજન વસાવા માલજીપુરા ગામે નવી વસાહત નજીક પીપલીના ઉતારા પાસે ઘાત લગાવીને સંતાયો હતો.દરમિયાન સુરેશ સવજી વસાવા તથા નિતિન રતિલાલ વસાવા ત્યાંથી પસાર થતી વખતે કુહાડીથી હુમલો કરી સુરેશ વસાવાનું ઢીમ ઢાળી દીધું હતું.

દરમિયાન નિતિન વસાવા ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતા તેના પર પણ હુમલો કરી ગળાના ભાગે તથા હોઠ પર ઈજા કરી કુંજન વસાવા સ્થળ પરથી ભાગી છુટયો હતો.સુરેશ સવજી વસાવાનો મૃતદેહ માલજીપુરાના નવી વસાહત પીપલીના ઉતારા પાસેથી મળી આવતા તેનું અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનું માની પરિવારે અંતિમ સંસ્કાર પણ કરી નાંખ્યા હતા. બીજી તરફ ગંભીર ઈજા પામેલ નિતિન વસાવા ઘર પાસે બેભાન થઈ ઢળી પડયો હતો.

જેને સારવાર માટે વાલીયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જઈ બાદમાં ભરૃચ સિવિલ હોસ્પિટલમાં રીફર મેમાથી ખસેડયો હતો. પરંતુ ઈજા ગંભીર જણાતા વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવાતા નિતિન વસાવાને ભાન આવતા અને તે બરાબર બોલતો થતાં સમગ્ર ઘટના પરથી પડદો હટયો હતો. નિતિન વસાવાએ જણાવ્યું કે, કુંજન કેસુર વસાવાએ તા. ૭-૯-૧૫ ના રોજ રાત્રે ૮-૩૦કલાકે સુરેશ સવજી વસાવાને કુહાડી મારતાં તેનું મોત થયું હતું. જારે તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

 

આમ સમગ્ર ઘટના પરથી પડદો ૩ દિવસ બાદ પડદો ઉઠતાં ઝઘડીયા પોલીસ મથકમાં કુંજન કેસુર વસાવા વિરૃધ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

You might also like