કાંગારું સ્ટુઅર્ટ લોને ટીમ ઇન્ડિયાના કોચ બનવું છે

ચેન્નઈઃ ઓસ્ટ્રેલિયા-એનાે સહાયક કોચ સ્ટુઅર્ટ લો ભલે અહીં રમાઈ રહેલી બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં ભારત-એને હરાવવાની રણનીતિ બનાવી રહ્યો હોય, પરંતુ આ ભૂતપૂર્વ ક્રિકેટર ભારતની સિનિયર ટીમને કોચિંગ આપવા ઇચ્છુક છે. આ અગાઉ શ્રીલંકા અને બાંગ્લાદેશમાં કોચ રહી ચૂકેલા સ્ટુઅર્ટ લોએ કહ્યું, ”હું દુનિયાના કેટલાક સર્વશ્રેષ્ઠ ક્રિકેટર્સ સાથે કામ કરવું પસંદ કરીશ. મેં ઉપખંડમાં કેટલોક સમય વિતાવ્યો છે. જો કોઈ મારી પાસે પ્રસ્તાવ લઈને આવશે તો તે સ્વીકારવામાં મને બહુ જ ખુશી થશે.”સ્ટુઅર્ટ લોને ઓક્ટોબર ૨૦૦૯માં શ્રીલંકાનો સહાયક કોચ બનાવાયો હતો અને ૨૦૧૧ વિશ્વકપ બાદ ટ્રેવિસ બેલિસે પદ છોડી દીધા બાદ તેને મુખ્ય કો બનાવાયો હતો. લોએ જોકે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે એ બહુ જ મુશ્કેલ કામ હતું. સ્ટુઅર્ટે કહ્યું, ”નિશ્ચિત રીતે ભાષા એક મોટી સમસ્યા છે. શ્રીલંકામાં ઘણા ખેલાડી બહુ સારું અગ્રેજી બોલે છે. એક વાર વિશ્વાસ સ્થપાઈ ચૂક્યા બાદ અને એકબીજાને સારી રીતે સમજી લીધા બાદ બધાં કામ થવા લાગે છે. વિદેશી કોચ માટે ઉપખંડમાં કામ કરવું ઘણું મુશ્કેલ હોય છે. સૌથી મોટી સમસ્યા કેપ્ટન, ખેલાડી અને કોચ વચ્ચે તાલમેલ બેસાડવાનું હોય છે.”

You might also like