કલ્પનામાં પણ ન આવે એવી આંટીઘૂંટી ધરાવતી શીના બોરા કોર્પોરેટ મર્ડર મિસ્ટ્રી

કોઈ ફિલ્મના લેખકની કલ્પનામાં પણ ન આવે એવી આંટીઘૂંટી ધરાવતો શીના બોરા હત્યાકાંડ હાલ ચર્ચામાં છે. આ હત્યાકાંડથી કોર્પોરેટ જગતમાં અને સમગ્ર સંભ્રાંત સમાજમાં ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં બહાર આવેલી હકીકતો જેટલી રોમાંચક છે તેટલા જ રોમાંચક પાસાં હજી અંધારામાં છે…

મુંબઈ જેવા મોટા શહેરમાં હત્યા જેવા બનાવો બનવા સામાન્ય બાબત છે. વર્તમાનપત્રોની સિંગલ કૉલમમાં છપાતા આવા સમાચારોને લોકો વાંચીને ભૂલી જાય છે. જોકે શીના બોરા હત્યા કેસે વર્તમાનપત્રો અને ટીવી ચેનલ્સમાં સનસનાટી ફેલાવી દીધી છે. આ હત્યા પાછળ અનેક કારણો છે અને હત્યા એક કોર્પોરેટ સ્ટોરી જેવી છે.

મોટા ઘરની દીકરી શીનાની હત્યા થઈ છે, હત્યાનો આરોપ તેની સગી માતા ઉપર છે. આ માતા કોર્પોરેટ જગતની પ્રખ્યાત પાર્ટી એનિમલ છે. શીના તેની માતાના પ્રથમ પતિની દીકરી છે. શીનાની હત્યા માટે તેની માતાએ બીજા પતિની મદદ લીધી છે અને હત્યા સંદર્ભે ત્રીજા પતિની તપાસ ચાલુ છે. હત્યાનું એક કારણ એ કહેવાય છે કે, શીનાને તેના સાવકા ભાઈ એટલે કે ત્રીજા બાપની પ્રથમ પત્નીના પુત્ર સાથે પ્રેમસંબંધ હતો.

આવા ગૂંચવાડા ભર્યા સંબંધોને સમજવા વાત પહેલેથી સમજવી જરૂરી છે. મૂળ આસામમાં જન્મેલી પરી બોરાનાં સપનાં મોટાં હતાં. એક દિવસ તે કોઈને કહ્યાં વગર ઘરેથી ભાગી ગઈ, જ્યારે ઘરે પરત ફરી ત્યારે તે બે બાળકોની મા બની ચૂકી હતી. આ બાળકો સિદ્ધાર્થ દાસ નામના વ્યક્તિથી થયા હતા જેની સાથે પરીએ લગ્ન કર્યાં હતાં. જોકે સિદ્ધાર્થે બે બાળકોની જવાબદારી ઉઠાવવાની ના કહી દેતાં પરી બંને બાળકોને લઈને તેનાં મા-બાપના ઘરે આવી ગઈ.

પુત્ર મિખાઇલ અને પુત્રી શીનાના નામ પાછળ પરીએ તેના પિતાની અટક બોરા લગાવી. બંનેના જન્મ-દાખલા પર પણ માતા-પિતા તરીકે પરીના પિતા ઉપેન્દ્ર બોરા અને માતા દુર્ગારાનીનું જ નામ છે. પરી ફરીથી કોલકાતા આવી અને સંજીવ ખન્ના સાથે પ્રેમ-સંબંધ બાંધ્યો. બાદમાં તેને સંજીવ સાથે લગ્ન કરી લીધા. સંજીવથી તેને એક પુત્રી થઈ જેનું નામ વિધિ છે. ૧૯૯૬માં પરી મુંબઈ આવી ગઈ. તે પતિ સંજીવથી અલગ થઈ ચૂકી હતી અને પોતાની નવી ઓળખ બનાવવા ઇચ્છતી હતી.

આ માટે તેને પોતાનું નામ ઇંદ્રાણી રાખી દીધું. ર૦૦રમાં ઇંદ્રાણીએ સ્ટાર ઇન્ડિયા (આઈએનએક્સ) ચેનલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પીટર મુખર્જી સાથે ત્રીજા લગ્ન કરી લીધાં અને ઇંદ્રાણી મુખર્જી નામે કોર્પોરેટ જગતમાં પોતાની નવી ઓળખ ઊભી કરી. પીટર તે વખતે ૪૬ વર્ષનો હતો અને ઇંદ્રાણી ૩૦ વર્ષની હતી. પીટરનાં આ બીજા લગ્ન હતાં, પ્રથમ લગ્નથી પીટરને બે બાળકો હતાં જેમાંનો એક રાહુલ મુખર્જી હતો.

હવે પોલીસ આ તમામની સાથે રાહુલ મુખર્જીની પણ પૂછપરછ કરી રહી છે. એક વાર નહીં, વારંંવાર તપાસ થઈ રહી છે. રાહુલે કહ્યું, ‘શીના ગાયબ થઈ ગઈ હતી એટલે મેં જાતે મુંબઈના ખાર પોલીસ મથકે બે વાર ફરિયાદ કરવાની કોશિશ કરી હતી. બીજી વારની ફરિયાદ સંદર્ભે પોલીસ ઇંદ્રાણીના ઘરે પણ ગઈ હતી, પરંતુ શીના અમેરિકામાં છે તેવું જણાવતાં પોલીસ પણ ચૂપ થઈ ગઈ હતી. બાદમાં હું વરલી પોલીસ મથકે પણ ગયો હતો.’

મુંબઈની સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી શીનાએ પોતાનો ડિગ્રી અભ્યાસક્રમ પૂર્ણ કર્યો અને રિલાયન્સ મેટ્રો કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે જોડાઈ ગઈ. શીના ગાયબ થઈ તેના કેટલાક દિવસો પછી રિલાયન્સને શીના તરફથી મેઇલ મળ્યો કે, તે નોકરીમાંથી રાજીનામું આપી રહી છે. બાદમાં શીના જ્યાં ભાડેથી રહેતી હતી તે મકાનમાલિકને પણ શીના તરફથી પત્ર મળ્યો કે, ‘હું હવે અમેરિકામાં છું અને પરત નહીં આવું એટલે લીવ એન્ડ લાઇસન્સ એગ્રીમેન્ટ સમાપ્ત કરી દેવો.’ રાહુલ અને શીનાના અન્ય મિત્રોને નેટ પર શીનાના ફોટોગ્રાફ્સ પોસ્ટ થતા, પરંતુ તેનો કોઈ પત્તો કે સંપર્ક નંબર નહોતો. રાહુલ સિવાય શીનાની કોઈને પડી નહોતી. રાહુલે અનેક પ્રયત્નો કર્યા, પછી તે શાંત થઈ ગયો.

બીજી તરફ એપ્રિલ ર૦૧રમાં મુંબઈથી ખોપોલી તરફ જવાના રસ્તા પર નજીક ગાગોદે ગામમાં લોકો સડી ગયેલા માનવ શરીરની દુર્ગંધથી પરેશાન થઈ ગયા હતા.  પોલીસને ઘટના સ્થળેથી અડધું બળેલું અને કપાયેલું હાડપિંજર મળ્યું. પોલીસે કોઈ અજાણ વ્યક્તિની હત્યા દર્શાવીને તપાસ પૂરી કરી દીધી અને ઘટના પર પરદો પાડી દીધો.

ત્રણ વર્ષમાં આ મામલો દફન થઈ ચૂક્યો હતો, પરંતુ કહેવાય છે કે, પાપ છાપરે ચઢી પોકારે છે. મુંબઈ પોલીસ કમિશનર રાકેશ મારિયાએ ઘટના અંગે વિસ્તૃત માહિતી આપતાં કહ્યું, ‘અમને જાણકારી મળી કે કોઈ વ્યક્તિ હથિયાર વેચવા વાકોલામાં આવી રહી છે. અમે વૉચ ગોઠવીને શામ રાય નામના વ્યક્તિને પકડી લીધો. તેની પાસેથી ૧.૬પ એમએમની પિસ્તોલ મળી. તેની ઊલટતપાસ કરતાં જે ખુલાસો થયો તેનાથી માત્ર પોલીસ જ નહીં, સમગ્ર કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો.

શામે ત્રણ વર્ષ પહેલાં કરેલી હત્યા કબૂલી. તે ઇંદ્રાણી મુખર્જીનો ડ્રાઇવર હતો. ત્રણ વર્ષ પહેલાં કરાયેલી શીનાની હત્યામાં તે સામેલ હતો. માલકણે આ કામ માટે તેને એક લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ પૈસા ખતમ થઈ જતાં તે તંગી અનુભવતો હતો. દરમિયાન શીનાના મર્ડર માટે તેના હાથમાં આવેલી આ પિસ્તોલ તે વેચવા માટે આવ્યો હતો અને ઝડપાઈ ગયો. હવે ઇંદ્રાણીનું નામ ખૂલતાં જ પોલીસ હરકતમાં આવી ગઈ. બે મહિના સુધી પોલીસે વિસ્તૃત તપાસ કર્યા બાદ ઇંદ્રાણીની ધરપકડ કરી. ઇંદ્રાણીએ ગુનો કબૂલ કરી લીધો.

જોકે તે દરેક સમયે તેનું સ્ટેટમેન્ટ બદલી રહી છે. ક્યારેક તે કહે છે કે, શીનાની હત્યા તેના બીજા પતિ સંજીવ ખન્ના સાથે મળીને કરી છે. ક્યારેક કહે છે, સંજીવ ખન્નાએ જ ગળંુ દબાવીને શીનાની હત્યા કરી છે. ઇંદ્રાણીનાં વારંવાર બદલાતાં સ્ટેટમેન્ટે પોલીસને મૂંઝવી છે. પહેલાં તેણેે જણાવ્યું હતું કે, શીના તેની બહેન છે, પરંતુ મેરઠથી અજ્ઞાત વ્યક્તિએ ફોન પર કહ્યું, શીના ઇંદ્રાણીની બહેન નહીં, દીકરી છે. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં ઇંદ્રાણીએ શીના દીકરી હોવાનું કબૂલ્યું. ઇંદ્રાણી પાસે સાચું બોલાવવું એ પોલીસના મોટા અધિકારીઓ માટે કસોટીરૂપ છે.

ઇંદ્રાણીના પ્રથમ લગ્નના પુત્ર અને શીનાના સગાભાઈ મિખાઈલે પહેલાં ઇંદ્રાણીને ધમકી આપી કે, ‘મા, શીનાની હત્યાનું સાચું કારણ બતાવી દે નહિતર હું કહી દઈશ.’ બીજી બાજુ એ કહે છે કે, શીનાની હત્યાના દિવસે જ ઇંદ્રાણી તેની પણ હત્યા કરવા માગતી હતી. તે માટે નશીલી દવાવાળું ડ્રિન્ક પણ આપ્યું હતું, પણ ઇંદ્રાણી શીનાને લેવા ગઈ ત્યારે પોતે ભાગી છૂટ્યો. આટલો વખત ચૂપ કેમ રહ્યો એ પ્રશ્નના જવાબમાં તે કહે છે કે, ‘માએ પૈસા બંધ કરવાની ધમકી આપી હતી.’

ઇંદ્રાણી અને શામ રાય હાલ પોલીસના કબજામાં છે. સંજીવ ખન્નાને કોલકાતા ખાતેથી અરેસ્ટ કરીને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવ્યા બાદ મુંબઈ લવાયો છે. આ ત્રણેય સાથે એક ચોથો માણસ પણ પોલીસ કસ્ટડીમાં છે. આ એ વ્યક્તિ છે જેને શીનાનાં મૃત્યુ બાદ તેના નામે રિલાયન્સ કંપનીને રાજીનામાનો મેઇલ કર્યો, મકાન માલિકને પત્ર લખ્યો અને ઈન્ટરનેટ પર શીનાના જીવંત અને અમેરિકા હોવાનો જૂઠો વ્યાપ રચતો રહ્યો.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ ર૩ એપ્રિલ, ર૦૧રના રોજ શીનાને બાંદ્રાની નેશનલ કોલેજ પાસેથી કારમાં લઈ જવાઈ. કાર ડ્રાઇવર શામ ચલાવી રહ્યો હતો. પાછળની સીટ પર ઇંદ્રાણી, સંજીવ ખન્ના હતાં. કહેવાય છે કે, શીનાને પહેલાં બેહોશીનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને બાદમાં ગળું દબાવીને ગાડીમાં જ તેની હત્યા કરી દેવામાં આવી હતી. પછી શબ સૂટકેસમાં ભરીને ગાડીની ડીકીમાં મૂકી દેવાયું. બીજા દિવસે ગાડીને રાયગઢ જિલ્લાના ગાગોદે ગામના રસ્તા પર લઈ જવાઈ. જ્યાં શીનાની લાશને કોઈ ઓળખી ન શકે તે માટે રસ્તાની બાજુમાં જ પેટ્રોલ છાંટીને સળગાવી દીધી. ર૪ એપ્રિલે સંજીવ ખન્ના વિમાન દ્વારા કોલકાતા જવા રવાના થઈ ગયો.

પોલીસ હવે ઘટનાની કડીઓ જોડી રહી છે, પુરાવા શોધી રહી છે અને હત્યાનું કારણ જાણવા કોશિશ કરી રહી છે. જાણે હજુ કેટલા રાજ ખૂલવાના બાકી હશે? કારણ કે રોજ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે.

લતિકા સુમન

 

You might also like