કર્ણાટકમાં દૂરંતો એક્સપ્રેસ ઊથલીઃ બેનાં મોત, આઠને ઈજા

ગુલબર્ગાઃ કર્ણાટકના ગુલબર્ગા ખાતે હૈદરાબાદથી પુણે જતી દુરંતો એકસપ્રેસના નવ ડબા પાટા પરથી ઊથલી પડતાં સર્જાયેલા અકસ્માતમાં બેનાં મોત થયાં હતાં અને આઠથી વધુ લોકોને ઇજા થઇ હતી. બે મૃતક પ્રવાસીઓમાં ૪૬ વર્ષીય જ્યોતિ અને ર૮ વર્ષીય બી. પુષ્પા લતાનો સમાવેશ થાય છે.  

હૈદરાબાદથી પુણે જવા રવાના થયેલી આ ટ્રેન મોડી રાત્રે ર-૧પ કલાકની આસપાસ પાટા પરથી ઊથલી પડી હતી. આ ઘટના કર્ણાટકના ગુલબર્ગા જિલ્લાના કલબુર્ગીના મરતુર ગામ પાસે ઘટી હતી. અત્યાર સુુધી અા અકસ્માતમાં ઓછામાં ઓછા બેનાં મોત અને આઠથી વધુ જખમી થયા હોવાના અહેવાલ મળે છે, પરંતુ આ દુર્ઘટનાને નજરે નિહાળનારા લોકોનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે.

પુણેના રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે દુરંતો એકસપ્રેસ ટ્રેન નં.૧રરર૦ રાત્રે ર-૦૦ વાગ્યે શાહબાગ સ્ટેશનથી નીકળ્યા બાદ અત્રેથી ૩૦ કિ.મી. દૂર પહોંચ્યા બાદ આ દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનાની જાણ થતાં રેલવેની રાહત અને બચાવ ટુકડીઓ તાબડતોબ દુર્ઘટના સ્થળે પહોંચી ગઇ છે. રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યકત કર્યું છે અને તેમણે આ દુર્ઘટનામાં તપાસના આદેશ જારી કર્યા છે. 

રેલવેના પીઆરઓ અ‌િનલ સક્સેનાએ જણાવ્યું હતું કે એનડીઆરએફની બે ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. એક ટીમ હૈદરાબાદથી અને બીજી ટીમ પુણેથી રવાના થઇને દુર્ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. રાહત અને બચાવ ટુકડીએ તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડી દીધા છે.

રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ જણાવ્યું છે કે પીડિત યાત્રીઓને શકય તમામ મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેલ દુર્ઘટના બાદ હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યા છે, જેમાં ૦રરરપર૮૦૦પ, સિકંદરાબાદ ૦૪૦-ર૭૭૦૦૮૬૮ અને હૈદરાબાદ ૦૪૦-ર૩ર૦૦૮૬પનો સમાવેશ થાય છે. 

રેલવેબોર્ડના ચેરમેન ‌એ. કે. મિત્તલે જણાવ્યું હતું કે અમારા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહત કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા છે અને હું પણ સ્વયં ત્યાં પહોંચી રહ્યો છું.

You might also like