કઠોળના વાયદા કારોબાર ઉપર તવાઈ આવે તેવી શક્યતા

મુંબઈઃ એક બાજુ દેશભરનાં કેટલાંક રાજ્યમાં વરસાદની ઘટ છે તો બીજી બાજુ ઓછા વરસાદના કારણે વિવિધ કઠોળના ભાવ પહેલેથી આસમાને જોવા મળી રહ્યા છે. વધતા જતા ભાવને અંકુશમાં લેવા સરકારે વિવિધ કઠોળની આયાત વધારી છે, પરંતુ ભાવ અટકવાનું નામ નથી લેતા ત્યારે વધતા જતા ભાવને અંકુશમાં લેવા આગામી દિવસોમાં વિવિધ વાયદા કારોબાર ઉપર અંકુશ આવે તેવી મજબૂત શક્યતા છે. સોયાબીન પ્રોસેસર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ સોયાબીન વાયદા કારોબારને બંધ કરવાની માગ કરી છે. એસોસિયેશને સેબીના ચેરમેનને આ અંગે કાગળ લખી વાયદા કારોબારમાં ગરબડ અને કોમોડિટી કારોબારીઓની સાઠગાંઠની આશંકા દર્શાવી છે. એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે વાયદા કારોબારમાં સટ્ટાબાજીના કારણે સ્થાનિક બજારમાં સોયાબીન ૨૩ ટકા મોંઘા થયા છે. એ જ પ્રમાણે વાયદા બજારમાં ચણાના ભાવમાં આવેલી તેજીની અસરે હાજર બજારમાં પણ ચણાના ભાવમાં લાલચોળ તેજી જોવા મળી છે ત્યારે વધતા ભાવને અંકુશમાં લેવા વિવિધ કઠોળના કારોબારમાં તવાઇ આવી શકે છે.
 
You might also like