કટક સ્ટેડિયમ પર બે વર્ષ સુધી પ્રતિબંધ મૂકોઃ સુનિલ ગાવસ્કર

નવી દિલ્હી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગઈકાલે રમાયેલી ટ્વેન્ટી-૨૦ મેચ દરમિયાન ચાહકોના ખરાબ વર્તન અને ત્યારબાદ પોલીસના નિરાશાજનક પ્રતિસાદથી નારાજ થયેલા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે કહ્યું છે કે, કટકમાં બારાબતી સ્ટેડિયમ ઉપર બે વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય સ્થળ તરીકે પ્રતિબંધ મુકી દેવો જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ છ વિકેટે જીત મેળવી હતી. ભારતીય ટીમ માત્ર ૯૨ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ચાહકોના ખરાબ વર્તનના પરિણામ સ્વરૂપે હાલત ખૂબ જ કફોડી બની હતી.આ મેચ દરમિયાન મેદાન ઉપર ચાહકોએ બોટલોનો મારો ચલાવ્યો હતો. પાણીની બોટલો ફેંકવામાં આવી હતી. પોલીસે પણ કોઈપણ સુચનો પાડ્યા વગર માત્ર પ્રેક્ષક તરીકે રાહ જોઈ હતી. સરહદી વિસ્તારમાં ઉભા રહેલા પોલીસ જવાનોએ કોઈ પગલા લીધા નહતા. પોલીસ જવાનો માત્ર ક્રિકેટની રમત જોઈ રહ્યા હતા. પોલીસનું કામ ચાહકોના વર્તન ઉપર નજર રાખવાનું પણ હોય છે. ગાવસ્કરે આજે ખૂબ જ આક્રમક પ્રતિક્રિયા આપી હતી. ગાવસ્કરે કહ્યું હતું કે, કટકને હવે આગામી બે વર્ષ સુધી કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચ મળવી જોઈએ નહીં.બીસીસીઆઈએ ઓરિસ્સા ક્રિકેટ એસોસીએશનને મળતી સબ્સિડીને બંધ કરી દેવી જોઈએ. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનનું કહેવું છે કે ટીમના નિરાશાજનક દેખાવની સ્થિતિમાં ચાહકો તરફથી મેચમાં ખલેલ પહોંચાડવામાં આવે તે બાબત યોગ્ય નથી. મેદાન ઉપર વાંધાજનક ચીજવસ્તુઓ ફેંકવી જોઈએ નહીં. ગાવસ્કરે કહ્યું છે કે જ્યારે ટીમ સારો દેખાવ કરે છે ત્યારે ચાહકો ખૂબ જ રોમાંચિત રહે છે. જ્યારે ટીમ ખરાબ દેખાવ કરે છે ત્યારે પથ્થરો ફેંકવામાં આવે છે. આ બાબત યોગ્ય નથી. બીજી ટ્વેન્ટી-૨૦ મેચમાં ભારતીય ટીમ તેના બીજા સૌથી ઓછા જુમલા પર આઉટ થઈ ગઈ હતી. મોર્કેલે ત્રણ વિકેટો ઝડપી હતી. આફ્રિકા ૨-૦ની લીડ ધરાવે છે. છેલ્લી મેચ ૮મી ઓક્ટોબરે રમાશે.
 
You might also like