કંઈક તો ગરબડ છે ટીમ ઇન્ડિયામાં!

કાનપુરઃ ભારતીય ટીમમાં કંઈક તો ગરબડ ચાલી જ રહી છે, જેની અસર ટીમના પ્રદર્શનમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ટીમ ઇન્ડિયા મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં વન ડે અને ટી મુકાબલામાં સતત હારી રહી છે, જ્યારે વિરાટની કેપ્ટનશિપવાળી ટેસ્ટ મેચોમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે એટલું જ નહીં, જ્યારથી વિરાટ ટેસ્ટ કેપ્ટન બન્યો છે ત્યારથી તેણે ધોનીની કેપ્ટનશિપમાં રમાયેલી વન ડે અને ટી ૨૦ મેચમાં આશા મુજબનું પ્રદર્શન કર્યું નથી. આ આંકડા ફક્ત એક સંયોગ ના હોઈ શકે. દ. આફ્રિકા સામે કટક ખાતેની ટી ૨૦ મેચમાં જે રીતે કોહલી રનઆઉટ થયો તેની સામે પણ ઘણા સવાલો ઊઠ્યા હતા, જ્યારે ગઈ કાલે કાનપુરમાં રમાયેલી પહેલી વન ડેમાં પણ કોહલીએ જે સાવ સિમ્પલ બોલમાં વિકેટ ગુમાવી એ પણ ક્રિકેટ ચાહકના મનમાં શંકા જન્માવે તેવી ઘટના છે.
ટીમ બે જૂથમાં વહેંચાઈ ચૂકી છે એવા સમાચારો તો ઘણી વાર પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે, પરંતુ ટીમ ડિરેક્ટર રવિ શાસ્ત્રી, મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી આ સમાચારોને નકારતા રહ્યા છે, પરંતુ તાજેતરમાં પ્રદર્શનને જોઈને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોહલી અને ધોની વચ્ચે કંઈક તો ચાલી જ રહ્યું છે.પ્રદર્શન પર સવાલ
જો ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા સતત હારતી જ રહેશે તો ધોની માટે ટીમમાં ટકી રહેવું આસાન નહીં હોય અને તેનો સીધો ફાયદો વિરાટને જ થવાનો. પાછલાં કેટલાંક વર્ષોથી ભારતીય ટીમની જીતમાં મુખ્ય પાત્ર નિભાવનારાે વિરાટ ગત વર્ષે નવ ડિસેમ્બરે ટેસ્ટ કેપ્ટન બન્યો અને ત્યાર બાદ તેના મનમાં બધાં ફોર્મેટમાં કેપ્ટન બનવાની લાલચ જાગી હશે. વિરાટે ત્યાંથી શરૂ કરીને અત્યાર સુધી પોતાની કેપ્ટનશિપમાં રમાયેલી છ ટેસ્ટમાંથી બે ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને વિજય અપાવીને બધાનું ધ્યાન ખેંચ્યું. આ જ સમયગાળા દરમિયાન રમાયેલી ૧૫ વન ડે અને બે ટી ૨૦ મેચમાં તેણે ફક્ત એક જ સદી ફટકારી છે.કોહલી ટી ૨૦માં પણ નિષ્ફળકોહલી ૩૦ ટી ૨૦ મેચની ૨૮ ઇનિંગ્સમાં ૪૪.૧૭ની સરેરાશથી નવ અર્ધસદી સાથે ૧૦૧૬ રન બનાવી ચૂક્યો છે. એ દરમિયાન જે ૧૮ મેચમાં ભારત જીત્યું, તેમાં વિરાટે ૧૭ ઇનિંગ્સમાં ૫૪.૬૬ની સરેરાશ અને છ અર્ધસદીની મદદથી ૬૫૬ રન બનાવ્યા. ટેસ્ટ કેપ્ટન બન્યા બાદ તેણે ધોનીના નેતૃત્વમાં બે ટી ૨૦ મેચ રમ્યો, જેમાં એકમાં તેણે ૪૩ અને બીજી મેચમાં ફક્ત એક રન કરીને આઉટ થઈ ગયો.પોતાની કેપ્ટનશિપમાં વિરાટ ખૂબ ચાલ્યો
ધોનીની કેપ્ટનશિપમાં વિરાટનું બેટ શાંત છે ત્યારે પોતાની જ ટેસ્ટ કેપ્ટનશિપમાં વિરાટનું બેટ આગ ઓકી રહ્યું છે. પોતાની કેપ્ટનશિપવાળી છ ટેસ્ટ મેચની ૧૧ ઇનિંગ્સમાં ૬૩.૨૭ની સરેરાશથી તેણે કુલ ૬૯૬ રન બનાવ્યા છે, જેમાં ચાર સદી પણ ફટકારી છે. એ દરમિયાન વિરાટની કેપ્ટનશિપમાં ભારતે શ્રીલંકાને તેના જ ઘરઆંગણે ૨-૧થી હરાવીને ઇતિહાસ પણ રચ્યો. ટેસ્ટ કેપ્ટન બનતા પહેલાં વિરાટે ૩૧ મેચની ૫૫ ઇનિંગ્સમાં લગભગ ૪૨ની સરેરાશથી ૨૦૯૮ રન બનાવ્યા હતા, જેમાં સાત સદી સામેલ છે.ગઈ કાલના પરાજય બાદ ધોનીએ કોહલી તરફ નિશાન તાક્યું
ગઈ કાલે કાનપુર વન ડેમાં ભારતી હાર માટે જવાબદાર કોણ? કેપ્ટન ધોની કે પછી વાઇસ કેપ્ટન વિરાટ કોહલી? કે પછી આ બંને? મેચ પૂરી થયા બાદ ધોનીને જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે ધોનીએ કહ્યું કે, ”અમે ૩૬થી ૪૦ ઓવર વચ્ચેની નબળી બેટિંગને કારણે હાર્યા.”ગઈ કાલની મેચમાં ૩૬થી ૪૦મી ઓવર હારનું કારણ બની. એટલે કે ધોનીનો સ્પષ્ટ ઇશારો વિરાટ કોહલી તરફ હતો. એ દરમિયાન વિરાટ કોહલી મેદાન પર હતો. ધોનીને લાગે છે કે ૩૬થી ૪૦મી ઓવરમાં બેટિંગ સારી ના થઈ તેથી હારી ગયા. ૩૬થી ૪૦મી ઓવર દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલી રમી રહ્યા હતા. રોહિત શર્માએ તો ૧૫૦ રન બનાવ્યા, તેથી સ્પષ્ટ છે કે ધોની તેની સામે આંગળી ચીંધી શકે નહીં. આ સ્થિતિમાં શું ધોની વિરાટ તરફ નિશાન તો નથી સાધી રહ્યો? વિરાટ ગઈ કાલે ૧૮ બોલમાં ફક્ત ૧૧ રન જ બનાવી શક્યો. રોહિત અને કોહલી ૩૮ બોલમાં ફક્ત ૨૩ રન જ જોડી શક્યા હતા. આ બધું જોતાં ભારતીય ક્રિકેટ ચાહકો પણ હવે માનવા લાગ્યા છે કે ટીમમાં કંઈક તો ગરબડ છે જ.
 
You might also like