ઓવૈસી બિહારમાં ભાજપને જીતાડશે?

નવી દિલ્હી: બિહારમાં આવી રહેલી ચૂંટણીમાં ભાજપ-એનડીએ અને મહાગઠબંધન વચ્ચે કસોકસનો મુકાબલો છે. આ ચૂંટણીમાં અસદુદીન ઓવૈસીએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારતા ભાજપ ખુશ થયું છે તો મહાગઠબંધનમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે. ઓલ ઇન્ડિયા મજલિસ-એ ઇતેહાદુલ મુસ્લિમના વડા એવી અફવાઓને નિરાધાર ગણાવે છે કે, ભાજપે તેમને બિહારની ચૂંટણીના ચાર મહત્વના મુસ્લિમ બહુમતીવાળા સીમાંચલ જિલ્લાઓમાં મેદાનમાં ઉતાર્યા છે પરંતુ એવી ચર્ચા છે કે, તેઓ ગયા સપ્તાહે પીએમ મોદીને મળ્યા હતા. એમ સમજાય છે કે, ઓવૈસી ચૂંટણીમાં મેદાનમાં ઉતારતા મુસ્લિમ વોટના ભાગલા પડી શકે. નીતીશકુમારના પ્રધાનો ખુલ્લે આમ કહી રહ્યા છે કે ભાજપે જ તેમને મેદાનમાં ઉતાર્યા છે.રાજકીય રીતે ભાજપ અને ઓવૈસી અલગ-અલગ છે પરંતુ એ પણ સાચું છે કે, ઓવૈસીની હાજરી હિન્દુ મતદારોને ભાજપના પક્ષમાં મત નાખવા માટે પ્રેરિત કરશે. ઓવૈસીએ સીમાંચલમાં ર૪ બેઠકો ઉપર ઉમેદવારો ઉતાર્યા છે. તેમના ઉમેદવારો વિજય થાય તેવી શકયતા ઓછી છે પરંતુ તેમના ઉમેદવારો લઘુમતી મતોના વિભાજનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે એટલું જ નહીં મુસ્લિમ આધારિત તેમની રાજનીતિ બિહારમાં લઘુમતિ વિરુદ્ધ બહુમતીની વિચારધારાને ભડકાવવાનુ કામ કરશે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓવૈસીની પીએમ મોદી સાથેની મુલાકાતનું ઘણું રાજકીય મહત્વ છે. બિહારમાં ભાજપ જયાં જયાં નબળું છે ત્યાં ત્યાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ભાજપને જો બિહારમાં સફળ થવું હોય તો તેણે જો કે હજુ ઘણી મહેનત કરવી પડશે. ગત લોકસભાની ચૂંટણીમાં યુપીમાં ભાજપને મોટા વિજયનું મોટુ કારણ એ હતું કે, મોટાભાગના લોકોએ પરંપરાગત જાતિવાદ લાઇનને છોડી ધાર્મિક આધાર પર મતો આપ્યા હતા. નીતીશના શાસનમાં બિહારમાં કોમી ટેન્શન યુપીના મુકાબલે ઓછું રહ્યું છે પરંતુ હવે જયારે તહેવારો આવી રહ્યા છે ત્યારે એવું બની શકે કે આવતા સપ્તાહોમાં ધાર્મિક ભાવના ભડકે. ખાસ કરીને ઓવૈસીના નાના ભાઇ અકબરૃદ્દીન જો પોતાના ભડકાઉ ભાષણો સાથે બિહાર જાય તો.કાશીરામની જેમ ઓવૈસીની નજર પણ મુસ્લિમ-દલિત વોટ બેંક ઉપર છે. બિહારની કુલ વસ્તીમાં મુસ્લિમ અને દલિત સમુદાયની હિસ્સેદારી ૧પ-૧પ ટકા છે. જો આ બંને સાથે આવે તો કોઇપણ પક્ષ માટે મોટી વોટબેંક સાબિત થાય. ઓવૈસી ઉમ્મીદ એવી કરી રહ્યાં છે કે, આવતા દિવસોમાં તેઓ પોતાની છાપ બિહારમાં છોડશે અને સમગ્ર ભારતમાં સૌથી વિશ્વસનીય નેતા તરીકે તેઓ ઉભરશે. તેઓ મજબૂત મુસ્લિમ નેતા તરીકે બહાર આવવા માંગે છે. તેમની હિંમતને દાદ દેવી પડશે કે તેઓ નીતીશના ગઢમાં ઘૂસીને ગર્જી રહ્યા છે. નિષ્ણાંતો કહે છે કે, ઓવૈસી ફેકટર નીતીશ-લાલુ ગઠબંધનને નુકસાન પહોંચાડશે. જો મુસ્લિમો અને પછાતોના વોટ કપાશે તો તેનો ફાયદો ભાજપને થશે.

 
You might also like