'ઓલ ઇઝ વેલ' અપાવી શકે છે અસિનની રોકાયેલી કરિયરને દિશા     

બોલિવૂડમાં ‘ગજની’ ફિલ્મથી ધમાકેદાર એન્ટ્રી કરવા છતાં સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી આસિન બોલિવૂડમાં સારી કરિયર બનાવવામાં નિષ્ફળ રહી છે. આ ફિલ્મે બોલિવૂડને વધુ એક સુંદર ચહેરાની ભેટ આપી. ‘ગજની’ ફિલ્મમાં આસિનને જોયા બાદ દર્શકોએ વિચારી લીધું હતું કે આ અભિનેત્રી બોલિવૂડમાં ડાર્ક હોર્સ પુરવાર થશે. લોકોને તેની સુંદરતા અને એક્ટિંગ બંને પસંદ પડ્યાં. પ્રોડ્યૂસરોને પણ આસિનમાં રસ પડ્યો હતો, પરંતુ બોલિવૂડમાં આસિનની કરિયર રોકાઇ ગઇ છે. બોલિવૂડમાં સફળતા મેળવવાના તેણે ઘણા પ્રયાસ કર્યા, પરંતુ હજુ તેને જેવી સફળતા મળવી જોઇએ તેવી મળી નથી. તેણે બોલિવૂડમાં હિટ ફિલ્મો પણ આપી જ છે, પરંતુ તે ટોપ અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ થઇ શકી નથી. ‘ગજની’ બાદ ‘લંડન ડ્રીમ્સ’, ‘રેડી’. ‘હાઉસફુલ-2’, ‘બોલ બચ્ચન’, ‘ખિલાડી 786’ જેવી ફિલ્મો પ્રદર્શિત થઇ. ‘લંડન ડ્રીમ્સ’ ખરાબ રીતે પિટાઇ ગઇ. બાકીની ફિલ્મો થોડી ઘણી ચાલી. 

‘ગજની’ની સફળતાનું શ્રેય આમિરખાનને તો ‘રેડી’ની સફળતાનો શ્રેય સલમાનખાનને ગયો. તેની કરિયરની આ બે મોટી ફિલ્મો હતી. આ ફિલ્મો છતાં તેની ગણતરી ટોપ સ્ટારમાં ન થઇ, જોકે એવું પણ કહેવાય છે કે આ બધા માટે આસિન ખુદ જવાબદાર છે. તેનામાં ન તો ટોપ પર પહોંચવાની મહત્વાકાંક્ષા દેખાય છે, ન તો ઇન્ડસ્ટ્રીની સામાજિકતા નિભાવવાની ઇચ્છા. કોઇ ને કોઇ વિવાદમાં હંમેશાં તેનું નામ જોડાયા કરે છે. બોલિવૂડમાં તેની છાપ એક ઝઘડાળુ અભિનેત્રીની બની ગઇ છે. તેના કારણે નિર્માતા તેનાથી દૂર રહેવાનું પસંદ કરે છે. આસિન કહે છે એવું કંઇ નથી. કારણ વગર બોલિવૂડમાં તેની છાપ બગાડાઇ છે. મેં અત્યાર સુધી જેની પણ સાથે કામ કર્યું છે તેની સાથે મારા સંબંધો સારા રહ્યા છે. લાંબા સમય બાદ આસિનની ‘ઓલ ઇઝ વેલ’ ફિલ્મ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં તે અભિષેક બચ્ચન સાથે જોવા મળશે. આ અગાઉ તેણે અભિષેક સાથે ‘બોલ બચ્ચન’માં કામ કર્યું છે. આ ફિલ્મમાં આસિન એક નવા લુકમાં જોવા મળશે. જો ‘ઓલ ઇઝ વેલ’ સફળ થશે તો તેનું શ્રેય ચોક્કસપણે આસિનને જશે અને બોલિવૂડમાં તેના માટે સફળતાના દરવાજા ખૂલી જશે.  

 

You might also like