ઓલિમ્પિકમાં કોણ જશે? નરસિંહ કે સુશીલ?

નવી દિલ્હીઃ તાજેતરમાં જ લાસ વેગાસમાં યોજાયેલી ચેમ્પિયનશિપમાં નરસિંહ યાદવે ફ્રાંસના ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે ૭૪ કિલોગ્રામ વર્ગમાં ઓલિમ્પિક ક્વોટા પણ હાંસલ કરી લીધો, પરંતુ આ જીતે ભારતમાં એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે. સવાલ એ ઊઠી રહ્યો છે કે ઓલિમ્પિક માટે ૭૪ કિલો વર્ગમાં ક્વોટા હાંસલ કરનારાે ખેલાડી નરસિંહ જશે કે એ જ કેટેગરીમાં ભાગ લેનારાે અને બે વાર ઓલિમ્પિક મેડલ જીતી ચૂકેલો સુશીલ કુમાર? નિયમો અનુસાર આ ક્વોટા ખેલાડીને વ્યક્તિગત રીતે નહીં, પરંતુ દેશને આપવામાં આવે છે. નરસિંહ કહે છે, ”જે ખેલાડી ચેમ્પિયનશિપમાં લડે છે, પોતાના દેશ માટે ક્વોલિફાય કરે છે તો તેનો હક બને છે કે ઓલિમ્પિકમાં તેણે જ જવું જોઈએ. મારા માનવા પ્રમાણે આ યોગ્ય પણ છે.”
નરસિંહ ઓલિમ્પિક ક્વોટા જીત્યો એ જેટલું સત્ય છે, એવી જ રીતે એ વાતથી પણ ઇનકાર થઈ શકે એમ નથી કે સુશીલ ભારતની ગોલ્ડ મેડલ જીતવાની સૌથી મોટી આશા છે. ૨૦૦૮ના બીજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતેલા સુશીલે ૨૦૧૨ લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ૨૦૧૬ના ઓલિમ્પિક માટે દરેક સુશીલ પાસેથી એવી આશા રાખે છે કે તે સિલ્વર મેડલને ગોલ્ડમાં તબદિલ કરી દેશે. સુશીલના કોચ સતપાલનું પણ માનવું છે કે સુશીલનો દાવો વધુ મજબૂત છે. તેનું પ્રદર્શન આ વાતની સાબિતી છે. તે એક વાર નરસિંહને પણ હરાવી ચૂક્યો છે. નરસિંહ પણ સારો પહેલવાન છે, પરંતુ બંનેમાં સુશીલનું પલડું વધુ ભારે છે.રિયો ઓલિમ્પિકમાં કોને મોકલવો એ અંગે સૌથી મોટું ધર્મસંકટ તો કુસ્તી સંઘ સામે છે. બંને ખેલાડીઓ વચ્ચે પસંદગી તેણે કરવાની છે. કુસ્તી સંઘના સંયુક્ત સચિવ કુલદીપસિંહ રાણા કહે છે, ”કોઈ પણ પહેલવાન સાથે અન્યાય નહીં કરાય. સુશીલે ભારતીય કુસ્તીમાં નવો ઇતિહાસ રચ્યો છે, જ્યારે નરસિંહની સફળતાઓ પણ દુનિયાની સામે છે. આ અંગે તમામ બાબતે વિચારણા થશે. આ દેશનો સવાલ છે. આ વર્ષે અમારે કુસ્તીમાં ઓછામાં ઓછા ચાર મેડલ જોઈએ છે.” ગત વર્ષે ૭૪ કિલો વર્ગમાં ગ્લાસગો કોમનવેલ્થમાં ગોલ્ડ જીત્યા પહેલાં સુશીલ ૬૬ કિલોગ્રામ વર્ગમાં ભાગ લીધો હતો. બદલાયેલા નવા નિયમોને કારણે ઓલિમ્પિકમાંથી ૬૬ કિલો વર્ગને હટાવી દેવામાં આવ્યો છે.
You might also like