ઓડિશામાં વિસ્ફોટઃ ત્રણ જવાન સહિત ચારનાં મોત

ભુવનેશ્વર: ઓડિશાના મલ્કાનગિરી જિલ્લામાં ગઇકાલે સવારે માઓવાદીઓએ કરેલા એક સુરંગ વિસ્ફોટમાં બીએસએફના ત્રણ જવાનો અને એક નાગરિક સહિત ચારના મોત થયા હતા. આ હુમલામાં અન્ય છ જવાન ગંભીર રીતે ઘવાયા હતા અને તેમને મલ્કાનગિરી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભુવનેશ્વરથી દક્ષિણ-પશ્ચિમમાં ૭૦૦ કિ.મી.ના અંતરે જિલ્લાના ચિત્રાકોન્ડા વિસ્તારમાં ગઈ રાત્રે બીએસએફની ૧૦૪મી બટાલિયનના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે માઓવાદીઓએ તેમની પર પાછળથી હુમલો કર્યો હતો.તેમણે સુરંગ વિસ્ફોટ કર્યો હતો અને ગોળીબાર કર્યો હતો. જવાનો હોડી મારફતે ચિત્રકોંડા તળાવ પાર કરીને ચિંતમદોલી ઘાટ પહોંચ્યા ત્યારે આ વિસ્ફોટ થયો હતો. તે પછી તરત જ માઓવાદીઓએ જવાનો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં ત્રણ જવાનો અને એક નાગરિક સહિત ચારના મોત થયા હતા અને અન્ય છ જવાનોને ગંભીર ઈજા પહોંચી હતી.પોલીસ અને બીએસએફએ માઓવાદીઓને ઝડપી લેવા માટે આ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી. મલ્કાનગિરી એ રાજ્યમાં બળવાખોેરોનો મુખ્ય ગઢ છે. ઓડિશામાં છેલ્લાં ત્રણ વર્ષમાં સુરક્ષા દળના જવાનો પર આ પહેલો મોટો હુમલો હતો. ગયા અઠવાડિયે છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ટીમાપુર ખાતે બળવાખોર સીપીઆઈ (માઓવાદી) સાથેની અથડામણમાં સીઆરપીએફના એક જવાનનું મોત થયું હતું અને અન્ય બે જવાનો ઘાયલ થયા હતા.
 
You might also like