ઓડિશાના મુખ્યપ્રધાન પટનાયકે દર્શકોના તોફાનની તપાસના આદેશ આપ્યા

ભુવનેશ્વરઃ ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે ગઈ કાલે એક ટોચના અધિકારીને બારાબતી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટી-૨૦ મેચ દરમિયાન દર્શકોએ કરેલાં તોફાનની તપાસના આદેશ આપ્યા છે. ઘટનાની ગુસ્સે થયેલા મુખ્યપ્રધાન નવીન પટનાયકે ગૃહ સચિવ અસિતકુમાર ત્રિપાઠીને મામલાની તપાસ કરીને એક મહિનાની અંદર અહેવાલ આપવા આદેશ કર્યો છે. સ્ટેડિયમમાં દર્શકોને બોટલ લઈ જવાની મંજૂરી કેવી રીતે મળી તેની સમીક્ષા માટે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા ખુદ નવીન પટનાયકે સંભાળી  હતી. પટનાયકે ઓડિશા ક્રિકેટ સંઘ અને પોલીસને પણ ઠપકો આપ્યો હતો અને ભવિષ્યમાં આવી શરમજનક ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જોવા તાકીદ કરી હતી. નવીન પટનાયકે ટ્વિટ કર્યું હતું, ”બારાબતી સ્ટેડિયમમાં સોમવારે બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી હું દુઃખી છું. ઓસીએ અને પોલીસને ભવિષ્યમાં આવી ઘટનાઓથી બચવા મેં સલાહ આપી છે. ગૃહસચિવને સંપૂર્ણ તપાસ કરવા કહ્યું છે.”
You might also like