ઓછી ઈન્ટરનેટ સ્પીડવાળા માટે ફેેસબુક લાઈટ એપ લોન્ચ થઈ  

નવી દિલ્હીઃ ફેસબુકે પોતાના એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવું લાઇવ વર્ઝન રજૂ કર્યું છે. તેનો હેતુ જ્યાં ઇન્ટરનેટની સ્પીડ ઘણી ઓછી હોય અથવા તો ફોન ઓછી ક્ષમતા ધરાવતો હોય એવા યુઝર્સ માટે આ સેવા પૂરી પાડવાનો છે.
 
આ નવી એપનું નામ ફેસબુક લાઇટ રાખવામાં આવ્યું છે. તેની શરૂઆત હાલ એશિયન દેશોમાં કરવામાં આવી છે. ટૂંક સમયમાં ફેસબુક લાઇટની શરૂઆત અમેરિકા, આફ્રિકા અને યુરોપમાં શરૂ કરવામાં આવશે એવી માહિતી પ્રોડકટ મેનેજર વિજય શંકરે આપી હતી.
 
તેમણે જણાવ્યું હતું કે હજુ પણ ઘણા યુઝર્સ એવા છે કે જેઓ ર-જીનો ઉપયોગ કરી રહ્યા છે અને જેમને ખૂબ જ ઓછી બેન્ડવિડ્થની ઇન્ટરનેટ સ્પીડ ઉપલબ્ધ છે. આવા યુઝર્સને ધ્યાનમાં રાખીને ફેસબુકે આ નવી એપ લોન્ચ કરી છે.
 
વીડિયો અને લોકેશન ઇન્ફર્મેશન નહીં મળે
 
ફેસબુક લાઇટના યુઝર્સને સોશિયલ સાઇટ વિઝિટ કરવામાં કોઇ મુશ્કેલી નહીં પડે. તેઓ માત્ર બે સેવાઓનો ઉપયોગ કરી શકશે નહીં. તેમને વીડિયો અને એડ્વાન્સ લોકેશન ઇન્ફર્મેશન સર્વિસીસ ઉપલબ્ધ નહીં બને. ફેસબુક લાઇટને માર્ક ઝુકરબર્ગે ઇન્ટરનેટ ડોટ ઓઆરજી અભિયાનનો એક ભાગ ગણાવેલ છે.
 

You might also like