ઓગસ્ટ મહિનામાં કારના વેચાણમાં નોંધાયેલો વધારો

મુંબઇઃ ઓટોમોબાઇલ સેક્ટરમાં રિકવરી ચાલુ રહેલી જોવા મળી છે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ ઇન્ડિયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના કારના વેચાણમાં વધારો નોંધાયો છે. આ કંપનીઓનું કહેવું છે કે ઓટોમોબાઇલ સેક્ટરમાં મધ્યમ કદની કાર કંપનીઓની માગમાં વધારો થતાં આ સેગ્મેન્ટમાં વેચાણ વધ્યું છે. મારુતિ કંપનીનાં વેચાણમાં ૬.૪ ટકાનો વધારો થયો છે, જ્યારે હ્યુન્ડાઇ કારનાં વેચાણમાં ૨૦ ટકાનો વધારો થયો છે, જોકે મહિન્દ્રા અને મહિન્દ્રા કંપનીની ઓગસ્ટ મહિનામાં કારનાં વેચાણમાં માત્ર ૧.૨૯ ટકાનો વધારો થયો છે.મારુતિ સુઝુકીએ પાછલે વર્ષે ઓગસ્ટ મહિનામાં ૧.૧૧ લાખ કારનું વેચાણ કર્યું હતું. તેની સરખામણીએ ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં ૧.૧૮ લાખ કારનું વેચાણ કર્યું છે, જોકે ઓગસ્ટ મહિનામાં મારુતિ સુઝુકીની કારની નિકાસમાં ઘટાડો જોવાયો છે. એ જ પ્રમાણે ટોયાટો કિર્લોસ્કર કંપનીની કારનાં વેચાણમાં પણ ઓગસ્ટ મહિનામાં ૧.૨૯ ટકાનો વધારો નોંધાયો છે. પાછલે વર્ષે ઓગસ્ટ મહિનામાં કંપનીએ ૧૨,૩૮૬ યુનિટ કારનું વેચાણ કર્યું હતું, જ્યારે ચાલુ વર્ષે ૧૨,૫૪૭ યુનિટનું કારનું વેચાણ થયું હતું. ઓટોમોબાઇલ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જોવાયેલા ઘટાડાની પણ સકારાત્મક અસર વેચાણ ઉપર જોવાઇ હતી.
You might also like