ઓઆરઓપી મુદ્દાના ઉકેલ માટે પીએમઓ પ્રયત્નશીલઃ પારિકર

નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે જણાવ્યું હતું કે વન રેન્ક વન પેન્શન મુદ્દાનો ઉકેલ લાવવા માટેના પ્રયત્નોમાં વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) સીધી રીતે સંકળાયેલ છે અને તેમાં જે નાની નાની ઉણપો છે તેને દૂર કરવાનું કામ કરી રહી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ બાબતનો ઉકેલ લાવવા માટે થોડોક સમય આપવો જોઈએ.  એક કાર્યક્રમની સમાંતરે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે હવે તે નાની નાની ખામીઓ દૂર થઈ રહી છે. તેને પૂરું થવા માટે થોડો સમય આપો. વડાપ્રધાને ૧૫મી ઓગસ્ટે (સ્વતંત્રતા દિવસના ભાષણ) તેને સૈધ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. હવે પીઓમઓ તેમાં સાધી રીતે સંકળાયેલ છે. એટલે આ બાબત આટલા દિવસમાં પૂરી કરો તેવું કહેવાથી કશું થશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે આ મુદ્દાના ઉકેલ માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.ઓઆરઓપીના અમલ માટે અમુક મુદ્દાના ઉકેલમાં આગળ વધવા માટે સરકાર અને પૂર્વસૈનિકો વચ્ચે ગુરુવારે યોજાયેલી વાટાઘાટો નિષ્ફળ રહી હતી.  સરહદે પાકિસ્તાની દળો દ્વારા તોપમારા વિશે પૂછતાં સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે સુરક્ષા દળો એલર્ટ પર છે અને પગલાં લઈ રહ્યાં છે. અગાઉ એક કાર્યક્રમને સંબોધતા પારિકરે જણાવ્યું હતું કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) મારફતે સંરક્ષણ મંત્રાલય મેક ઈન ઈન્ડિયા અભિયાનને વેગ આપી શકે. તેમણે ઉમેર્યું કે ભારતની ૪૦ ટકાથી વધુ એન્જિનિયરીંગ નિકાસ એમએસએમઈ મારફતે થતી હોય છે. પરંતુ કડક શરતોને લીધે તેમના માટે સંરક્ષણ ક્ષેત્ર એક અવરોધ જેવું છે. કારણકે કોઈએ તેની નિકાસ કરવી હોય તો શરત મુજબ તેનું પહેલા સ્થાનિક ધોરણે વેચાણ કરેલું હોવું જોઈએ. તેણે પહેલા તો તેની પ્રોડક્ટને વિક્સાવવી પડે. દરમ્યાન, ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુધ્ધની સુવર્ણજયંતિની ઉજવણી કરવા માટે પૂર્વ સૈનિકો જંતરમંતર પર ઉમટ્યા હતાં અને  વન રેન્ક વન પેન્શનના અમલની તેમની માંગણીને અનુલક્ષીને  સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો.  આયોજકોએ તે લડાઈમાં શહિદ થયેલા સૈનિકોના પરિવારોને જંતરમંતર પર યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.
 
You might also like