એલપીજી સબસિડી સ્કીમનો ગિનેસ બુકમાં સમાવેશ કરાયો

મુંબઈઃ સરકારની એલપીજી સબસિડી સ્કીમનો હવે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સમાવેશ કરાયો છે. આ યોજનાને દુનિયાનો સૌથી મોટી (ઘરેલુ) રોકડ લાભ કાર્યક્રમ માનવામાં આવ્યો છે. 

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તરફથી ભારત પેટ્રોલિયમે આ માટે ગઈ ૧૫મી જૂને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસને અરજી આપી હતી. અરજીમાં જણાવાયું હતું કે ઓઈલ કંપનીઓએ તેમના ૮૦ ટકા ગ્રાહકોને આ યોજના સાથે સાંકળી લીધા છે. 

આ કંપનીઓએ સબસિડી યોજના સાથે જોડાયેલા દેશભરના ૧૨ કરોડ ૫૭ લાખ ગ્રાહકોના બેંક ખાતામાં કુલ ૧ ખર્વ ૯૮ અબજ ૫૦ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. હવે ૧૩ કરોડ ૯૦ લાખ ગ્રાહકો આ યોજનામાં સંકળાયા છે અને તેમના બેંક ખાતામાં ૨ ખર્વ ૩૬ અબજ ૧૮ કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. 

ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસે આ દાવાની ચકાસણી કરી હતી અને તેમાં આ દાવો સાચો જણાયો હતો. સંસ્થાએ અમેરિકા, ચીન સહિત અન્ય દેશોમાં કડક ધારાધોરણો અંતર્ગત આ પ્રકારના રોકડ ટ્રાન્સફરની શિસ્તના દાવાની ચકાસણી કરી હતી અને ભારત પેટ્રોલિયમની અરજીના આધારે એલપીજી સબસિડી સ્કીમનો ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સમાવેશ કર્યો હતો.

 

You might also like