એફટીઆઈઆઈના વિદ્યાર્થીઓની ભૂખ હડતાળનો અંત

પૂણે : પૂણેના ઈન્ડિયન ફિલ્મ અને ટેલીવિઝન ઈન્સ્ટિટયૂટના ઉપવાસ પર ઉતરેલા વિદ્યાર્થીઓએ આજે તેમની ક્રમિક ભૂખહડતાળ પાછી ખેંચી લીધી હતી. માહિતી અને પ્રસારણ મંત્રાલય ૨૯મી સપ્ટેમ્બરે તેમની સાથે વાટાઘાટો કરવા તૈયાર થઈ ગયા બાદ આ પગલું લેવાયું હતું. જો કે તેમની હડતાળનો અંત નહીં આવે.

વિદ્યાર્થીઓના પ્રમુખ હરિશંકર અને કોર કમિટીના સભ્ય રંજીત નાયરે જણાવ્યું હતું કે સરકાર ૨૯મી સપ્ટેમ્બરે વાટાઘાટો કરવા માગતી હોવાથી તેઓ હાલ પૂરતી હડતાળ પાછી ખેંચે છે પરંતુ જયાં સુધી સરકાર તરફથી કોઈ સકારાત્મક પરિણામ બહાર નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ જ રહેશે.

એફટીઆઈઆઈના ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લાં ૧૦૦ દિવસ કરતાં વધુ સમયથી ભાજપના સભ્ય અને અભિનેતા ગજેન્દ્ર ચૌહાણને ઈન્સ્ટિટયૂટના અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા તેના વિરોધમાં હડતાળ પર છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે ગજેન્દ્ર ચૌહાણ આ હોદ્દા માટે યોગ્ય નથી.

આ મુદ્દાનો અત્યાર સુધીનો ઉપવાસ માટે ઉતરેલા વિદ્યાર્થીઓ ગજેન્દ્ર ચૌહાણ અથવા માહિતી અને પ્રસારણ મંત્રાલયમાંથી કોઈ પણ ઉકેલ લાવી શકયું નથી. મંત્રાલયે વાટાઘાટો માટે તૈયારી દર્શાવતા આ મુદ્દે સમાધાનની આશા બંધાઈ છે.

You might also like