એક દિગ્ગજે વિદાય લીધી તો બીજાએ ખાતું ખોલાવ્યું

નવી દિલ્હીઃ ગઈ કાલે કોલંબોમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને ૨૭૮ રનથી કારમો પરાજય આપીને શ્રેણીમાં ૧-૧થી બરોબરી કરી લીધી છે. આ સાથે જ બે ખેલાડીઓની જિંદગીમાં મહત્ત્વનો ટર્નિંગ પોઇન્ટ આવ્યો. એક ખેલાડીએ વિદાય લીધી તો બીજાએ પોતાની કરિયરની ખાસ પળ જીવતા ખાતું ખોલ્યું છે. પહેલાં એ ખેલાડીની વાત કરીએ, જેણે વિદાય લીધી. કુમાર સંગાકારાએ ગઈ કાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. પોતાની સોનેરી સફર દરમિયાન સંગાકારાએ શ્રીલંકન ક્રિકેટને મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું, પરંતુ તે એવું કહેવાય છે ને કે દરેક ચીજને અંત હોય છે. સંગાકારાએ પોતાની કરિયરની અંતિમ ઇનિંગ્સમાં ગત રવિવારે ૧૮ રન બનાવ્યા અને તે અશ્વિનની બોલિંગમાં આઉટ થયો, તેમ છતાં મેદાનમાં ઉપસ્થિત હજારો દર્શકોએ પોતાના માનીતા ખેલાડીને સ્ટેન્ડિંગ ઓવેશન આપીને વિદાય આપી.જ્યારે બીજી તરફ હતો ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, જેણે ટેસ્ટ કેપ્ટન તરીકે પોતાની પહેલી જીત નોંધાવી. વિરાટે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વિરુદ્ધ એક-એક ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી હતી, પરંતુ તે એક પણ જીત હાંસલ કરી શક્યો નહોતો. જ્યારે શ્રીલંકા વિરુદ્ધની વર્તમાન શ્રેણીની પહેલી ટેસ્ટ (ગાલે)માં વિરાટને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે યોગ્ય સમયે જ તેનું જીતનું ખાતું ખૂલ્યું. વિરાટના નેતૃત્વમાં પહેલી વાર ભારતીય ટેસ્ટ ટીમને જીત મળી અને ટીમ ઇન્ડિયાએ શ્રેણી ૧-૧થી સરભર કરી. હવે ભારતની નજર અંતિમ ટેસ્ટ પર હશે, જ્યાં ટીમ ઇન્ડિયા વિરાટના નેતૃત્વમાં પહેલી વાર ટેસ્ટ શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે.
You might also like