એક જ કેસમાં બંને પક્ષોની પેરવી વકીલ કઈ રીતે કરી શકે?

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વકીલોના કયારેક એક પક્ષ તો કયારેક બીજા પક્ષની પેરવી કરવાના પગલાંને વ્યવસાય સિધ્ધાંતની વિરુધ્ધ ગણાવેલ છે. કોર્ટે સવાલ કર્યો છે કે, શું આ બાબત હિતોની ટકરાવની નથી કે કોઇ વકીલ એક વખતે કોઇ એક પક્ષ તો કયારેક બીજા પક્ષની પેરવી કરે. આ મુદ્દાને ગંભીર ગણતા સુપ્રીમ કોર્ટે હંમેશ માટે તેનું સમાધાન શોધવાનો નિર્ણય લીધો છે. કોર્ટમાં આ મામલે ૧૮ સપ્ટેમ્બરે સુનાવણી થશે. ન્યાયમૂર્તિ ટી. એસ. ઠાકુરના અધ્યક્ષપદવાળી ખંડપીઠે આ મામલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને એટોર્ની જનરલને નોટિસ જારી કરી પોતાનો પક્ષ રાખવા જણાવ્યું છે.

આ મુદ્દે સુપ્રીમ કોર્ટની ગંભીરતાનો અંદાજ એ બાબતથી લગાવી શકાય કે તેણે આ શુક્રવારે જ સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારે ખંડપીઠ સમક્ષ વરિષ્ઠ વકીલ વિકાસસિંહ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તરફથી પેરવી કરતા હતા. તેઓ પંજાબ સ્થિત ચિંતપૂર્ણિ મેડિકલ કૉલેજ અને હોસ્પિટલની એક પછી એક ખામીઓ ખંડપીઠને બતાવતા હતા. આ દરમિયાન બીજા પક્ષના વકીલે ખંડપીઠને જણાવ્યું હતું કે, ગત એકેડેમિક સત્રમાં વિકાસસિંહે આ મેડિકલ કૉલેજ તરફથી પેરવી કરી હતી અને તેની ખૂબીઓ ગણાવી હતી.

પીઠે વરિષ્ઠ વકીલ ફલી એસ. નરીમન પાસે આ મામલે કોર્ટની મદદ કરવાનો અનુરોધ કર્યો છે. ખંડપીઠે કહ્યું છે કે, આ બારામાં કપિલ સિબ્બલ અને રાજીવ ધવનનું પણ સૂચન લેવું જોઈએ. સિબ્બલે આવા મામલાને વ્યવસાયના સિધ્ધાંતની વિરુધ્ધ ગણાવ્યા હતા.

વરિષ્ઠ વકીલ વિકાસસિંહ દ્વારા એક જ મામલામાં બંને પક્ષો તરફથી પેરવી કરવાની વાત જાણવા મળ્યા પર ખંડપીઠે કહ્યું છે કે, જો વરિષ્ઠ વકીલ આવું કરશે તો જૂનિયર વકીલોમાં શું સંદેશ જશે. આ મામલો ગંભીર છે અને તેનો કાયમી ઉકેલ જરૂરી છે. જયારે આપ કોલેજ તરફથી પેરવી કરતા રહેશો તો તમારી પાસે સારી માહિતી હશે એવામાં તમે બીજા પક્ષ તરફથી પેરવી કેવી રીતે કરી શકો?

 

You might also like