એક કરોડનો પુરસ્કાર મેળવવા ‘પદ્મશ્રી’ દેવેન્દ્રએ ગોટાળા કર્યા

સોનીપતઃ રાજસ્થાન તરફથી રમતા પેરા એથ્લીટ પદ્મશ્રી એવોર્ડ વિજેતા દેવેન્દ્ર ઝાઝરિયાએ હરિયાણામાંથી નકલી દસ્તાવેજો બનાવીને રોકડ ઇનામ માટે આવેદન કર્યું છે, પરંતુ પુરસ્કારની રકમ મળતાં પહેલાં જ હરિયાણા પેરાલમ્પિક સમિતિએ આ બાબતે સવાલો ઉઠાવ્યા છે. હરિયાણા સરકાર ૧૧ ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય સ્તર પર મેડલ જીતનાર એથ્લીટ્સ અને પેરા એથ્લીટ્સને સન્માનિત કરવાની છે. દેવેન્દ્રએ ઇંચિયોન પેરા એશિયન ગેમ્સમાં જેવલિન થ્રોના સિલ્વર મેડલ માટે મળનારી એક કરોડની રકમ માટે હરિયાણા સરકારને આવેદન આપ્યું છે.હરિયાણા પેરાલમ્પિક સમિતિના સચિવ ગિરિરાજે કહ્યું કે, ”દેવેન્દ્રએ પહેલાં પણ પુરસ્કારની રકમ લેવા માટે આવેદન કર્યું હતું. તેની ફાઇલ અગાઉ પણ રદ કરવામાં આવી છે, ત્યાર બાદ ફરીથી આ ગોટાળો કર્યો છે. તાજેતરમાં જ ગાઝિયાબાદમાં પેરા નેશનલ એથ્લેટિક્સ યોજાઈ હતી, જેમાં દેવેન્દ્રએ રાજસ્થાન તરફથી ભાગ લીધો હતો. આ સ્થિતિમાં તે કોઈ પણ રીતે હરિયાણા તરફથી સન્માન મેળવવા માટે હકદાર નથી. તેના આવેદનને રદ કરાવવા માટે અમે રાજ્યના રમતગમત પ્રધાનને મળીશું. આ અંગે રમત મંત્રાલયના ડિરેક્ટરને પણ પત્ર લખવામાં આવ્યો છે. અમારા તરફથી આઠ ખેલાડીઓનાં નામની યાદી સોંપવામાં આવી છે, જેમાં પેરા અથ્લે‌િટક્સમાંથી અમિત સરોહા, દીપા મલિક, નરેન્દ્રકુમાર, કર્મ જ્યોતિ, બેડમિન્ટનમાંથી રાકેશ કુમાર અને તરુણ, સ્વિમર પ્રશાંત કર્માકર અને જોડેમાં કર્મપાલનું નામ હતું.જ્યારે દેવેન્દ્રને આ અંગે પત્રકારોએ પૂ્છ્યું ત્યારે તેણે કહ્યું, ”હા, મેં આવેદન આપ્યું છે.” પરંતુ જ્યારે ગોટાળા અંગે તેને પૂછવામાં આવ્યું ત્યારે તે સ્પષ્ટ જવાબ આપી શક્યો નહોતો. રાજસ્થાન પેરાલમ્પિક સમિતિના સચિવ દિનેશ ઉપાધ્યાયે કહ્યું કે, ”દેવેન્દ્ર રાજસ્થાન તરફથી પેરાલમ્પિક રમતોમાં ભાગ લે છે. તે રાજસ્થાનનો જ ખેલાડી છે.” રાજ્યના રમતગમત પ્રધાન અનિલ વિજ તરફથી સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે હરિયાણા સરકાર એ જ ખેલાડીને સન્માનિત કરશે, જેઓ હરિયાણાનું પ્રતિનિધિત્વ કરતા હોય. અન્ય રાજ્યના ખેલાડીઓનું હરિયાણા સરકાર સન્માન નહીં કરે.
 

You might also like