એક્સટર્નલ પરીક્ષાના ફોર્મ હવે છઠ્ઠી સુધી ભરી શકાશે

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં આગામી ૨૫મી ઓક્ટોબરથી વિવિધ બેચરલ અભ્યાસક્રમોની એક્સટર્નલ પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. હવે તમામ વિદ્યાર્થી આગામી મંગળવાર સુધી ફોર્મ ભરી શકશે. જ્યારે પરીક્ષા ફી સાત ઓક્ટોબર સુધી નજીકની પોસ્ટ ઓફિસમાં જમા કરાવી શકાશે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીએબીકોમ સહિતના અભ્યાસક્રમોમાં એક્સટર્નલ પરીક્ષા લેવામાં આવનાર છે.

આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ ૩ ઓક્ટોબર રાખવામાં આવી હતી. જો કે, નિશ્ચિત સમય મર્યાદામાં માત્ર ૧૮ હજાર જેટલા વિદ્યાર્થીઓએ જ પોતાના પરીક્ષા ફોર્મ જમા કરાવ્યા હતા જ્યારે ૩૨ હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા ફોર્મ સ્વીકારવા છતાં ફોર્મ જમા કરાવી શક્યા નથી. આ અંગે ગુજરાત યુનિવર્સિટીને કેટલાક ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમની રજૂઆતને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત આગામી મંગળવાર સુધી લંબાવવામાં આવી છે.

જે મુજબ ગુજરાત યુનિવર્સિટીની એક્સટર્નલ પીરક્ષા આપવા માંગતા ઉમેદવારો મંગળવારે ઓફિસ ટાઈમ સુધીમાં ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પોતાના ફોર્મ ભરી શકશે. ત્યારબાદ ફોર્મની નકલ અને પરીક્ષા ફી ૭ ઓક્ટોબર સુધીમાં નજીકની પોસ્ટ ઓફિસ અથવા ગુજરાત યુનિવર્સિટીમાં જમા કરાવવાના રહેશે. ત્યારબાદ કોઇપણ વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ વખતે એક્સટર્નલ પરીક્ષા ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ચાર તબક્કામાં લેવામાં આવનાર છે.

ખાસ કરીને આ વખતે પરીક્ષાના પરિણામમાં માર્કશીટ કૌભાંડ ન થાય તેની કાળઝી રાખવામાં આવશે. ખાસ કરીને શ્રી કોમ્પ્યુટર એજન્સીનું પરિણામ કૌભાંડ સામે આવ્યા બાદ યુનિવર્સિટીએ હવે નવી એજન્સી સાથે કરાર કર્યા છે તેમજ એજન્સી ઉપરાંત યુનિવર્સિટી દ્વારા પણ પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપર ખાસ નજર રખાશે.

You might also like