એક્ટિંગમાં દર્દ અને રિયાલિટીના અભાવે બ્રેક લીધો

‘રંગ દે બસંતી’, ‘તનુ વેડ્સ મનુ’ અને ‘થ્રી ઈડિયટ્સ’ની માધવનની ભૂમિકા આજે પણ લોકો યાદ કરે છે. હવે ત્રણ વર્ષના બ્રેક બાદ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’થી રિટર્ન થઈ રહેલા માધવન સાથે વાતચીત…

મનુની ભૂમિકામાં માધવન એકદમ ફિટ છે?

મારા વજન અંગે ટીકા કરવાની કોઈની હિંમત નથી, કારણ કે મારી બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી ચાલી છે. ‘તનુ વેડ્સ મનુ’માં હું ભારે લાગતો હતો, પરંતુ તે ચાલી જશે એની મને ખાતરી હતી. હવે હું નામ કરી ચૂક્યો હોઈ કોઈ તકલીફ નથી. પૈસાની ભૂખ પણ નથી. એટલે જ મેં ત્રણ વર્ષનો વિરામ લીધો. હું વિચારતો હતો કે, મારે જીવનમાં શું કરવું છે, ક્યાં પહોંચવું છે.

ત્રણ વર્ષનો લાંબો બ્રેક લેવામાં કોઈ ખચકાટ ન થયો?

બ્રેક લેવો જરૂરી બની ગયો હતો. મારી એક્ટિંગમાં કોઈ નવીનતા નહોતી રહી. એક જ પ્રકારની એક્ટિંગ કરીને હું ઘણો બોરિંગ થઈ ગયો હતો. એક્ટિંગમાં દર્દ અને રિયાલિટી ન અનુભવાતાં મેં મારી પત્નીને બ્રેક લેવા અંગે જણાવ્યું. તેને પણ મારી વાત યોગ્ય લાગી એટલે મેં બ્રેક લીધો.

તારી પત્નીએ તારો સાથ આપ્યો. શું એ તનુ કરતાં અલગ છે?

હા, મારી પત્ની સરિતા તનુ કરતાં ખૂબ અલગ છે. તેણે જ મને કહેલું કે, તું ખૂબ જાડો થઈ ગયો છે. એટલે તારે બ્રેક લેવો જોઈએ. જ્યાં સુધી આપણે મુંબઈમાં વન બીએચકે ફ્લેટમાં નહીં આવી જઈએ ત્યાં સુધી મને કોઈ તકલીફ નથી. એટલે ઇચ્છે ત્યારે બ્રેક લઈ શકે છે. તેણે મને ખૂબ સાથ આપ્યો છે. આવી પત્ની મળવી મુશ્કેલ છે. તનુએ પણ તેનામાંથી કંઈક શીખવું જોઈએ.

લવ કે એરેન્જ મેરેજમાંથી કયાં લગ્ન વધુ બહેતર છે?

મારા મતે લવ મેરેજ વધુ સુખી હોય છે, પરંતુ લવ કે એરેન્જ મેરેજ, બંનેમાં સમાધાન તો કરવું જ પડે છે. લોકો વિચારે છે કે, તમે લવ મેરેજ કરો તો તે નિભાવવાની જવાબદારી પણ તમારી જ છે. લગ્ન પહેલાં કરેલા પ્રેમનો પ્રકાર લગ્ન બાદ બદલાઈ જાય છે. તે જ આ ફિલ્મની વાર્તા છે. રોજ ગુલાબનું ફૂલ આપીને કે આઈ લવ યુ કહેવાથી પ્રેમ સાચવી શકાતો નથી. તેના માટે તમારી સમજણ અને આદર પણ બદલવા પડે છે. પ્રેમમાં આવેલા બદલાવને કેવી રીતે ઝીલવા તે આ ફિલ્મમાં દર્શાવાયું છે.

તનુમાંથી ક્વીન બની ચૂકેલી કંગનામાં કોઈ બદલાવ આવ્યા છે?

ફિલ્મમાં કંગના જ હીરો છે એવું કહીં શકાય. તેનું પર્ફોમન્સ ખૂબ જ સુંદર હોય છે. કમાલની એક્ટ્રેસ હોવાથી તેની સાથે કામ કરવું એક ચેલેન્જ છે. ક્યારેક તો તેની તુલનામાં આપણે ઓછા ન અંકાઈએ તેનું પણ ધ્યાન રાખવું પડે છે.

ફિલ્મમાં બે કંગના (ડબલ રોલ) સાથે કામ કરવામાં કોઈ મુશ્કેલી પડી?

આનંદે (દિગ્દર્શક) મારો રોલ ઘણો પડકારજનક છે તેમ જણાવી કહ્યું કે, ‘વધુ ડાયલોગ્સ બોલવાની જગ્યાએ ચહેરાના હાવ-ભાવ અને આંખો દ્વારા ફીલિંગ્સ રજૂ કરવી. જો તે યોગ્ય રીતે નહીં થાય તો પરદા પર ગેપ પડશે. એટલે તારી જવાબદારી ઉત્કૃષ્ટ અભિનય અદા કરવાની છે.’ કંગના સાથે કામ કરવામાં તેં શું અને કેવી રીતે કરી રહી છે તે ધ્યાને લેવું પડે છે. એક તરફે દિગ્દર્શકની અપેક્ષા અને બીજી તરફે કંગના. જોકે મારા અનુભવને લીધે બધું યોગ્ય પાર પડ્યું.

‘તનુ વેડ્સ મનુ’ની ત્રીજી સિક્વલ બનશે?

એ તો દિગ્દર્શક જ કહી શકે, કારણ કે દિગ્દર્શક અને રાઈટર માટે તે એક ચેલેન્જ સમાન હશે. અમે જ્યારે પ્રથમ ફિલ્મ બનાવી ત્યારે વિચાર્યું નહોતું કે, તેને આટલી સફળતા મળશે. તેની સફળતા અને દર્શકોની માગને ધ્યાને લઈ તેની સિક્વલ બનાવી છે. આશા છે દર્શકોને તે ચોક્કસ ગમશે.

આ ફિલ્મ પછી શું?

રાજુ હિરાણી સાથે પ્રોડ્યુસર તરીકેની મારી પ્રથમ ફિલ્મ આવી રહી છે ‘સાલા ખડ્ડુસ’ જેમાં હું બોક્સરની ભૂમિકામાં છંુ. મનુના કેરેક્ટર બાદ બોક્સરની ભૂમિકામાં મારો શારીરિક દેખાવ તમે વિચાર્યો નહીં હોય તેવો હશે. આ ફિલ્મ બાદ  ‘સાલા ખડ્ડુસ’ની રાહ જોઈ રહ્યો છું.

You might also like