એકાંત જેટલું નિંદ્ય છે તેટલું જ શ્રેષ્ઠ પણ છે

આપણાં તથા દરેક ધર્મનાં શાસ્ત્રો કહે છે કે એકાંત બહુ જ ખરાબ હોય છે. વ્યક્તિ એકાંતમાં આવે કે તરત જ તેના દિમાગમાં શેતાની કીડો સળવળવા લાગે છે. તેના મનમાં ગંદા વિચારો, હિંસક વિચારો આવવા શરૂ થઈ જાય છે. જેવા વિચાર આવે તેવું મન થતાં જે તે વ્યક્તિ ગંદાં કામ કરવા કે હિંસા કરવા પ્રેરાય છે.

પરિણામે એકાંતમાં આવેલા વિચાર તેને ગુનેગાર જાણ્યે અજાણ્યે બનાવી દે છે આ થઈ હાલના કળિયુગની વાત. હજારો વર્ષ પહેલાં રાજાઓ, ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓ, સાધકો, ભાવકો, સાધના કરવા ઇચ્છતા, ઈશ્વર પ્રાપ્ત કરવા, આત્મખોજમાં એકાંતમાં ચાલ્યા જતા. તેઓનો આહાર વિહાર તે વખતે ખૂબ સાત્ત્વિક રહેતો. તેમના મનમાં ગંદા વિચારો કે હિંસક વિચારો આવતા જ નહીં.

રાવણના પિતા વિશ્રવા તથા માતા કેકસીનાં ચાર સંતાન હતાં. રાવણ, વિભીષણ, કુંભકર્ણ તથા શૂર્પણખા. આ ચારેયનો જન્મ થયો ત્યારે તેઓ દસ વર્ષનાં હતાં. રાવણ, વિભીષણ, શૂર્પણખા તથા કુંભકર્ણ માતા પિતાની આજ્ઞા લઈ તપ કરવા એકાંતમાં ચાલ્યાં ગયાં. તપ કરતાં કરતાં તેઓ દસ હજાર વર્ષનાં થયાં ત્યારે તેમને બ્રહ્મદેવનું વરદાન પ્રાપ્ત થયું.

કહેવાનો આશય એ છે કે તેઓ એક ઘનઘોર જંગલમાં થોડા થોડા અંતરે આવેલાં અશોક વૃક્ષની ઘટાટોપ વનરાજીમાં તપ કરવા લાગ્યાં. આ સ્થિતિમાં તેઓ આહાર વિહાર વગર દસ હજાર વર્ષ તપ કરતાં હતાં. તેઓનું ચિત્ત ફક્ત ને ફક્ત બ્રહ્માજીના ધ્યાનમાં હતું. તેઓનો ધ્યાનમંત્ર બ્રહ્મદેવ પ્રસન્ન હો 

પ્રસીદ પ્રસીદ બ્રહ્મદેવ આ ચારેય રાક્ષસપુત્રો માટે એકાંત ઉત્તમ નીવડ્યું. શાસ્ત્રોમાં તથા ઘણાં ધર્મ પુસ્તકોમાં એમ પણ લખ્યું છે કે જોગી અને વિજોગીને ઊંઘ આવતી નથી, જ્યારે રાત જગત માટે પડે છે ત્યારે જોગી અને વિજોગીનો દિવસ ઊગે છે. જોગી રાત પડતાં જ પોતાના ઈષ્ટદેવ કે ઈષ્ટની પ્રાપ્તિ માટે ધ્યાનસ્થ બની જાય છે. રાત પડતાં જ જોગીનો દિવસ શરૂ થાય છે. તે ધ્યાનમગ્ન થઈ જાય છે, કારણ કે તે વખતે પુષ્કળ એકાંત હોય છે. તેમની સાધનામાં ખલેલ પડતી નથી.

વાત હવે વિજોગીની કરીએ. રાત પડતાં જ વિજોગીને પોતાનું પ્રિયજન યાદ આવે છે. તે એકાંતમાં આંખનાં ખારાં પાણીના દરિયાને વહેવડાવવાનું શરૂ કરે છે. તેને તેના પ્રિયતમ કે પ્રિયતમા યાદ આવે છે. એકાંતમાં તે તેના ધ્યાનમાં ધ્યાનસ્થ થઈ જાય છે.

કહેવાય છે કે સંત તુલસીદાસજી શ્રીરામની સાધનામાં બેસતા હતા ત્યારે તેમની ઝૂંપડીના દ્વારે સાક્ષાત્ હનુમાનજી તેમના ધ્યાનની રક્ષા કરવા તથા તેમની સાધનામાં કોઈ ખલેલ ન પહોંચાડે તે માટે બેસતા હતા. તેઓ એકાંતમાં શ્રીરામની સાધનામાં તલ્લીન થઈ જતા હતા. રત્નાવલિથી જુદા થયા બાદ તુલસીદાસજી મહારાજ પ્રભુમય બની જતા હતા. તે વાત નિર્વિવાદ છે. રામાયણમાં ઉલ્લેખ છે કે રાવણ કોઈ ક્ષણે એકાંતમાં બેઠો હતો ત્યારે તેને સીતાજી દ્વારા થયેલું પૂર્વકાળનું અપમાન યાદ આવતાં તેનું મન બગડતાં તે ખરાબ ક્ષણે સીતાહરણ કરવાની યોજના બનાવી બેઠો. તેને અમલ પણ આપ્યો. આ એ જ રાવમ, જેણે એકાંતમાં બ્રહ્મદેવનું અનુષ્ઠાન કર્યું હતું, અજેય બન્યો. આવા જ એક એકાંતમાં તે નિંદ્યકર્મ કરી બેઠો અને શ્રીરામના હાથે તેનો વધ થયો. આમ એકાંત જેટલું નિંદ્ય છે તેટલું જ શ્રેષ્ઠ પણ છે.  – શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like