ઉમ્રકેદ એટલે ૧૪ વર્ષની જેલ નહિ પણ આજીવન કેદ 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ફરીવાર સ્પષ્ટ કર્યુ છે કે ઉમ્રકેદનો અર્થ ઉમ્રકેદ હોય છે નહિ કે ૧૪ વર્ષ. એટલે કે જીવનભરની જેલ. સુપ્રીમ કોર્ટે કહ્યુંુ છે કે, જયાં એક તરફ દેશમાં ફાંસીની સજાને સમાપ્ત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે તો ઉમ્રકેદની સજાને ૧૪ વર્ષ પણ ગણાવવામાં આવી રહ્યું છે. ૧૪ વર્ષ બાદ રાજય સરકાર પાસે અધિકાર હોય છે, જો તે ઈચ્છે તો મુક્તિ આપી શકે છે પણ કોર્ટનાં જણાવ્યા પ્રમાણે ઉમ્રકેદનો અર્થ આખી જિંદગી જેલમાં રહેવું એવો થાય છે.

ન્યાયમૂર્તિ ટી. એસ. ઠાકુરની ખંડપીઠે ગઈકાલે ઉમ્રકેદની સજાને ફરી એકવાર સ્પષ્ટ કરતા કહ્યું છે કે ઉમ્રકેદની સજાનો અર્થ છે અંતિમ શ્વાસ સુધી જેલના સળિયા પાછળ રહેવું. પીઠે વરિષ્ઠ વકીલ કે.ટી.એસ. તુલસીને સવાલ કર્યો હતો કે તમને આવું કોણે કીધુ કે ઉમ્રકેદની સજાનો અર્થ ૧૪ વર્ષ છે. 

તુલસી હત્યામાં દોષિત યુવકોની પેરવી કરતા હતા. ન્યાયમૂર્તિ ઠાકુરે કહ્યું હતું કે હાલના દિવસોમાં ફાંસીની સજાને લઈને અભિયાન ચલાવાય છે, માંગ થાય છે કે લોકોને ફાંસીએ ન લટકાવવા તેને બદલે તેમને અંતિમ શ્વાસ સુધી જેલમાં રાખવા.

You might also like