ઈન્દ્રાણીએ જેલમાં નશીલા પદાર્થ કોકેનનું સેવન કર્યું હતું

મુંબઇઃ સીના બોરા મર્ડર કેસની મુખ્ય આરોપી ઇન્દ્રાણી મુખરજીના યુરિનના સેમ્પલમાં કોકેન મળી આવ્યું છે. જેજે હોસ્પિટલના સમરી રિપોર્ટમાં આવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સમરી રિપોર્ટ અનુસાર ઇન્દ્રાણીએ કોકેન લીધું હતું, જેના કારણે તે બેભાન થઇ ગઇ હતી. જેલમાં ઇન્દ્રાણી સુધી કોકેન કોણે પહોંચાડ્યું તે બાબતે હવે તપાસ થશે.

ઇન્દ્રાણી મુખરજીને હોસ્પિટલમાં દાખલ કરવાના મામલામાં સીબીઆઇ તપાસ કરશે. એજન્સીએ મહારાષ્ટ્ર સરકારને કહ્યું છે કે ઇન્દ્રાણીના શરીરમાંથી લેવામાં આવેલા સેમ્પલને સુરક્ષિત રાખવામાં આવશે. આ ઘટના સાથે સંકળાયેલ એક રિપોર્ટ પણ માગવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨ ઓક્ટોબરના રોજ ઇન્દ્રાણીની તબિયત લથડી હતી અને ત્યાર બાદ તેને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ૬ ઓક્ટોબરના રોજ તેને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. આ દરમિયાન બે અલગ અલગ રિપોર્ટ આવ્યા હતા. એક રિપોર્ટમાં એવું જણાવાયું હતું કે ઇન્દ્રાણીએ ડિપ્રેશન દૂર કરતી દવાઓનો ઓવરડોઝ લીધો હતો, જ્યારે બીજા રિપોર્ટમાં આવું કંઇ મળ્યું ન હતું. 

કેટલાક મીડિયા અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે ઇન્દ્રાણીએ ડિપ્રેશનના દોરથી બચવા માટે એકસાથે બધી ટેબ્લેટ્સ લઇ લીધી હતી. ઇન્દ્રાણી ગુવાહાટીમાં પોતાના માતાના મૃત્યુના સમાચાર જાણ્યા બાદ ડિપ્રેશનમાં આવી ગઇ હતી. બીજી બાજુ જેલ ઓથોરિટીએ આ પ્રકરણમાં તપાસ શરૂ કરી દીધી છે.

You might also like