ઈન્ટરનેટ ક્યારે ચાલુ થશે? મોબાઈલ કંપનીઓના કસ્ટમર કેરમાં કોલ્સનો મારો

અમદાવાદઃ પાટીદાર અનામત મુદ્દે અમદાવાદમાં યોજાયેલી રેલી બાદ થયેલી હિંસાના પગલે સોશિયલ નેટવર્કિગ ઉપર વહેતી થયેલી અફવાઓને કાબૂમાં કરવા કલેકટર દ્વારા મોબાઇલ ઇન્ટરનેટ સુવિધા સ્થગિત કરવામાં આવી હતી.જો કે,બુધવાર અને ગુરુવારે પરિસ્થિતિ વધુ વકરતાં મોબાઇલ ઇન્ટરનેટની સુવિધા ૩૬ કલાક માટે બંધ કરાતાં વિવિધ કંપનીઓના કસ્ટમર કેર નંબર ઉપર શહેરીજનોએ ફોન કરી મોબાઇલ ઇન્ટરનેટની સુવિધા કયારે શરૂ કરાશે તે અંગે પુછપરછ કરી હતી.જેના કારણે નિયમિત આવતાં કોલની સરખામણીએ સરેરાશ ૧૨૦૦ જેટલા વધુ કોલ નોંધાયા છે.

૨૫ ઓગસ્ટે થયેલી પાટીદાર અનામતની રેલી બાદ ભડકેલી હિંસામાં પોલિસ અને પાટીદારોની તરફેણમાં અને વિરોધમાં વોટસએપ અને ફેસબુક ઉપર અનેક ફોટા અને વીડિયો ઘડીભરમાં વાયરલ થયાં હતાં.વધુ અફવાના વેગને અટકાવવાના પગલે કલેકટરે મોબાઇલ નેટવર્કને બંધ કરવાના આદેશ આપી દીધા હતા.ગુરુવારની પરિસ્થિતિ જોતાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત રાખવાની મુદ્દતમાં વધારો કરી દેવાતાં વિવિધ કંપનીઓના કોલ સેન્ટરોમાં કસ્ટમરના કોલમાં રોજિંદા કરતાં અનેકગણો વધારો નોંધાયો હતો. જેમાં મોટાભાગના કસ્ટમરોએ મોબાઇલ ઇન્ટરનેટ ક્યારે શરૂ કરાશે તે પ્રકારના પ્રશ્નો પુછયા હતા.

વોટસએપ અને ફેસબુકના વધી રહેલા ચલણ સામે એકાએક મોબાઇલ ઇન્ટરનેટની સુવિધા ખોરવાઇ જતાં યુવાનો સાથે શહેરીજનો હવે મોબાઇલ ઇન્ટરનેટ ફરી શરુ થવાની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.ત્યારે ખાનગી ક્ંપનીના કસ્ટમર કેર એકઝયુકિટિવે જણાવ્યુ હતુ કે આ પ્રકારના કોલમાં રોજ કરતાં અનેકગણો વધારો નોંધાયો છે.માત્ર કાલના દિવસમાં કસ્ટમર દ્વારા મોબાઇલ ઇન્ટરનેટની સુવિધા કયારે શરુ કરાશે તેવી ઇન્કવાયરીના ૧૧૦૦ થી ૧૨૦૦ કોલ નોંધાયેલા છે. એક તરફ મોટાભાગનો વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગ સવારે ઉઠતાંની સાથે વોટસએપના મેસેજ અને સ્ટેટસ ચેક કરવા માટે ટેવાઇ ગયાં છે ત્યારે શહેરની સ્થિતિ થાળે પડયા બાદ હવે મોબાઇલ ઇન્ટરનેટની સુવિધા કયારે શરુ કરાશે તે હાલ ચર્ચાનો વિષય બની ગયો છે.

You might also like