ઇરફાન ‘ઝલક દિખલા જા’માંથી મળનારાં નાણાં પોતાની ક્રિકેટ એકેડેમીમાં રોકશે

મુંબઈઃ સેલિબ્રિટી ડાન્સ શો ‘ઝલક દિખલા જા રિલોડેડ’માં વાઇલ્ડ કાર્ડ દ્વારા એન્ટ્રી મેળવનાર ક્રિકેટર ઇરફાન પઠાણને આ શોમાંથી જેટલાં પણ નાણાં મળશે તે નાણાં પોતાની ક્રિકેટ એકેડેમીમાં રોકશે. ઇરફાન આ શોમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મેળવનાર પહેલો સ્પર્ધક છે. ઇરફાન અને તેના ભાઈ યુસુફ પઠાણે મળીને એક ક્રિકેટ એકેડેમી ખોલી છે, જેનું નામ છે ‘ક્રિકેટ એકેડેમી ઓફ પઠાન્સ’. આ એકેડેમીમાં પઠાણ બ્રધર્સ ગરીબ બાળકોને ક્રિકેટ શીખવે છે. આ એકેડેમીનો સમગ્ર ખર્ચ પઠાણબંધુ ખુદ જ ઉઠાવી રહ્યા છે. ઇરફાન પઠાણે કહ્યું, ”આ ક્રિકેટ એકેડેમી અમારો ડ્રીમ પ્રોજેક્ટ છે, જેની શરૂઆત અમે ગત વર્ષે કરી હતી.”ઇરફાને વધુમાં જણાવ્યું કે, ”આ એક સેલ્ફ ફંડેડ પ્રોજેક્ટ છે, જ્યાં અમે ગરીબ બાળકોની મદદ કરીએ છીએ. અહીં અમે આવાં બાળકોને કોચિંગની સાથે સાથે ક્રિકેટનો જરૂરી સામાન પણ આપીએ છીએ. આથી મને આ શોમાંથી જેટલાં પણ નાણાં મળશે, તે નાણાં હું એકેડેમી માટે ખર્ચ કરીશ. મારી પાસે જ્યારે આ શોની ઓફર આવી ત્યારે મેં એ એક ચેલેન્જના રૂપમાં સ્વીકારી લીધી. મને ડાન્સ કરતા નથી આવડતો, પરંતુ એકેડેમી માટે મેં આ પડકાર ઝીલી લીધો છે.”

You might also like