ઇન્દ્રાણી શીનાની લાશને કારની પાછલી સીટ પર બેસાડીને રાયગઢ લઈ ગઈ હતી

નવી દિલ્હી: શીના બોરા મર્ડર કેસમાં રોજબરોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આજે એક ચોંકાવનારો પર્દાફાશ એ થયો છે કે ઈન્દ્રાણી શીનાની લાશ કારની પાછળની બેઠક પર રાખીને રાયગઢ લઈ ગઈ હતી. લાશને બેઠેલી સ્થિતિમાં રાખી હતી. પોલીસના જણાવ્યા અનુસાર શીનાની લાશને ઈન્દ્રાણી મુખરજી અને તેના બીજા પતિ સંજીવ ખન્નાની વચ્ચે બેસાડીને રાયગઢ લઈ જવામાં આવી હતી.

લાશને એવી રીતે રાખવામાં આવી હતી કે કારની પાછળની સીટ પર જાણે ત્રણ વ્યક્તિ બેઠી હતી કે જેથી ચેક પોઈન્ટ પર કોઈને શંકા ન જાય. ઈન્દ્રાણી સંજીવ ખન્ના વર્લીથી વહેલી સવારે જ શીનાની લાશ લઈને રાયગઢ જવા રવાના થઈ ગયા હતા. રસ્તામાં જો કોઈ પોલીસ પૂછપરછ કરતા તો શીના ગાઢ ઊંઘમાં છે એવું ઈન્દ્રાણી કહી દેતી હતી. કાર ઈન્દ્રાણીનો ડ્રાઈવર શ્યામવર રાય ચલાવતો હતો.

શીનાની લાશના ટુકડા રાયગઢના જંગલમાં પહોંચ્યા બાદ કરવામાં આવ્યા હતા અને પછી આ ટુકડા આ સૂટકેશમાં રાખવામાં આવ્યા હતા. લાશને બાંદ્રાના લિકિંગ રોડથી ઈન્દ્રાણીના વરલી સ્થિત ઘરે લઈ જવામાં આવી હતી. આ ઘટના ૨૪ એપ્રિલ ૨૦૧૨ના રોજ મોડી રાત્રે બની હતી. ત્યાર બાદ વહેલી સવારે લાશને કારની પાછળની સીટ પર બેસાડીને રાયગઢ લઈ જવામાં આવી હતી.

ઈદ્રાણીએ પોતાના પ્રથમ પતિ સિદ્ધાર્થને ગાયબ કરી દીધો ?

શીના હત્યાકાંડમાં ફસાયેલી તેની માતા ઈન્દ્રાણીને લઈને એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. પોલીસ હવે ઈન્દ્રાણીના પ્રથમ પતિ સિદ્ધાર્થની શોધખોળ કરી રહી છે. સિદ્ધાર્થના સગાંસંબંધીઓને તેના અંગે કોઈ જાણ નથી. સિદ્ધાર્થના ભાઈએ જણાવ્યું હતું કે છેલ્લે વર્ષો પહેલાં તેને સિદ્ધાર્થનો સંપર્ક થયો હતો. સિદ્ધાર્થદાસ અંગે ઈન્દ્રાણી પાસેથી કોઈ નક્કર જાણકારી મળી નથી.

You might also like