ઇન્ક્રિપ્શન નીતિને મામલે ઊહાપોહ બાદ કેન્દ્રની પીછેહઠ

રાષ્ટ્રીય ઇન્ક્રિપ્શન નીતિની રૂપરેખાને પાછી ખેંચીને કેન્દ્ર સરકારે લોકતાંત્રિક લાગણીનો પરિચય કરાવ્યો છે. આ દસ્તાવેજો જાહેર થતાં જ એવી શંકા ઊભી થઇ હતી કે સરકાર સોશિયલ મીડિયા અને વેબ એપ્લિકેશન દ્વારા સંવાદને નિયંત્રિત કરવા માગે છે. પરિણામે ચોમેરથી વિરોધી સૂર બુલંદ થવા લાગ્યો હતો. લોકશાહીની આ જ વિશેષતા છે કે તેમાં લોકોનો અવાજ કાને ધરવામાં આવે છે. આ નીતિને પરત લઇને કેન્દ્રએ આવકાર્ય પગલું ભર્યું છે. 

આ નીતિ સામે ઉગ્ર પ્રહારો શરૂ થાય તે પહેલાં જ સરકારે ઇન્ક્રિપ્શન નીતિ પર પોતાનો ડ્રાફટ પાછો ખેંચવાની જાહેરાત કરી દીધી હતી. કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન રવિશંકર પ્રસાદને કહેવું પડયું હતું કે જે કાંઇ જાહેર કરવામાં આવ્યું છે તેને સરકારની નીતિ કે અભિપ્રાય માનવો જોઇઅે નહીં, તે માત્ર મુસદ્દો હતો જેને લોકો દ્વારા વ્યકત કરવામાં આવેલી ચિંતાને ધ્યાનમાં રાખીને પરત લેવામાં આવ્યો છે. 

વોટ્સએપ, એસએમએસ, સ્નેપચેટ અને હેન્ગઆઉટ જેવા ઈન્ટરનેટ બેઝ્ડ કોમ્યુનિકેશન દ્વારા ઈન્ક્રિપ્ટેડ મેસેજ ડિલિટ કરવાનું કૃત્ય ગેરકાયદે ગણવાના સમાચારોના પગલે ઊભા થયેલા અહેવાલો બાદ સરકારે પીછેહઠ કરીને ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી વિભાગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ઈન્ક્રિપ્શન પોલિસીમાં સોશિયલ મીડિયા, વેબસાઈટ્સ અને એપ્સનો સમાવેશ કરવામાં આવશે નહીં અને વોટ્સએપ જેવા એપ્સ અને વેબસાઈટ પર વોચ રાખવામાં આવશે નહીં કે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં. વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટ અનુસાર ઈન્ક્રિપ્શન પ્રોડક્સની કેટલીક શ્રેણીઓને રાષ્ટ્રીય ઈન્ક્રિપ્શન પોલિસીના ડ્રાફ્ટમાં છૂટછાટ આપવામાં આવી છે.

ટેલિકોમ મંત્રાલયના પ્રવકતા એનએન કૌલેએ જણાવ્યું કે સામાન્ય યુઝર્સને વોટ્સએપ અને એસએમએસ જેવા ઈન્ક્રિપ્ટ ડેટા ૯૦ દિવસ સુધી સ્ટોર કરવા માટે ફરજ પાડવામાં આવશે નહીં. ટેલિકોમ પ્રધાને પણ સ્પષ્ટતા કરી હતી કે આ જવાબદારી માત્ર ઈન્ટરનેટ બેઝ્ડ મેસેજિંગ સર્વિસ આપનારી કંપનીઓની રહેશે. આ અંગે કોઈ નિયમ બનાવવામાં આવ્યા નથી. સરકાર તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડ્રાફ્ટ પોલિસીમાં સોશિયલ મીડિયા સાઈટ્સ અને મેસેજિંગ એપ્સને છૂટછાટ આપવામાં આવી છે.

વિભાગની વેબસાઈટ્સ પર એક પરિશિષ્ટમાં જણાવાયું છે કે વર્તમાન સમયમાં વેબ એપ્લિકેશન, સોશિયલ મીડિયા સાઈટ અને સોશિયલ મીડિયા એપ્સ જેવા કે વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર વગેરેને રાષ્ટ્રીય ઈન્ક્રિપ્શન પોલિસીમાં છૂટછાટ મળશે. ઈન્ટરનેટ બેન્કિંગ અને પેમેન્ટ ગેટવે ઉપરાંત ઈ-કોમર્સ અને પાસવર્ડ આધારિત ટ્રાન્ઝેકશનમાં ઉપયોગમાં લેવાતી ઈન્ક્રિપ્શન પ્રોડક્ટને પણ આ નીતીમાં છૂટછાટ આપવામાં આવશે.

આ પરથી એક વાત સ્પષ્ટ બને છે કે સરકારને ઈન્ક્રિપ્શન નીતિના ડ્રાફટની  ગરબડનો ત્યારે ખ્યાલ આવ્યો જ્યારે લોકોએ મોટા પાયે તેનો વિરોધ શરૂ કરી દીધો. આમ ડ્રાફટ તૈયાર કરનારા અધિકારીઓએ દેશમાં સોશિયલ મીડિયા પર સક્રિય સમગ્ર વસ્તીની પ્રાઇવસીના અધિકારને કોઇ મહત્વ આપ્યું નહોતું, એટલું જ નહીં એક ઝાટકામાં સોશિયલ મીડિયા પર સક્રિય લોકોને શકમંદ કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યા હતા.

કાનૂની તંત્ર જેવા મહત્વનાં કાર્ય સાથે સંકળાયેેલી એજન્સીઓ અને ખાસ કરીને અદાલતો અત્યાર સુધી એ સામાન્ય સિદ્ધાંત પર ચાલી રહી છે કે કોઇ વ્યકિતને જ્યાં સુધી દોષિત પુરવાર કરવામાં ન આવે ત્યાં સુધી તે નિર્દોષ ગણાય છે, પરંતુ આજકાલ તંત્રમાં એવી નીતિ ચાલી રહી છે કે બધાને એક જ લાકડીએ હાંકો અને બધાને શંકાના દાયરામાં મૂકી દો અને તેથી એવી જોગવાઇ દાખલ કરવામાં આવી હતી કે વોટ્સએપ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા મેસેજિંગ પ્લેટફોર્મ પર સક્રિય તમામ લોકો માટે એવું ફરજિયાત કરવામાં આવ્યું હતું કે તેઓ તમામ મેસેજ ડિલિટ કરી શકશે નહીં અને ૯૦ દિવસ સુધી આ મેસેજ સ્ટોર કરી રાખવા પડશે અને સુરક્ષા એજન્સીઓ જયારે માગે ત્યારે તેને ઉપલબ્ધ કરવા પડશે.

ગૂગલ અને માઇક્રોસોફટ જેવી કંપનીઓના સીઇઓ તરીકે ભારતીય લોકો બિરાજમાન છે. જ્યારે બીજી બાજુ ભારતની બ્યુરોક્રેસી એવા નિયમો બનાવે છે જે વાસ્તવિકતાને સુસંગત નથી. જરૂર છે સરકારીતંત્ર અને બ્યુરોક્રેસીના વિચારોમાં આમૂલ પરિવર્તન લાવવાની.

You might also like