આસારામ-નારાયણ સાંઇનું બોલિવૂડમાં રોકાણ

સુરત : ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આસારામ-નારાયણ સાઇના આર્થિક સામ્રાજ્ય વિરુદ્ધ શરૂ કરવામાં આવેલા મેગા ઓપરેશનના આજે બીજા દિવસે વધુ ચોંકાવનારી માહિતીઓ બહાર આવવા પામી હોવાનું જાણવા મળ્યું છે. બાંધકામ ઉદ્યોગ, ચ્હાના બગીચા અને દારૂના ધંધાની સાથે સાથે આસારામ અને નારાયણ સાંઇ દ્વારા બોલીવુડમાં પણ મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી માહિતી મળવા પામી છે. સુરતના કેતન પટેલ અને અમૃત પટેલ સહિત મોટા ભાગના કરોડપતિ ભક્તો ઇન્કમ ટેક્સની વરૂણીમાં આવતાં હવે આસારામ-નારાયણ સાંઇની પિતા-પુત્રની જોડીના આર્થિક સામ્રાજ્યના કોથળામાંથી કંઇ કેટલા બિલાડા બહાર નીકળશે તે નક્કી છે.

ઇન્કમટેક્સ વિભગના એક અધિકારીએ નામ ન છાપવાની શરતે આજે જણાવ્યું હતું કે ગત રોજ શરૂ કરવામાં આવેલી સર્ચ-સર્વેની કામગીરી દરમિયાન આસારામ-નારાયણ સાઇ દ્વારા સૌથી વધુ બેનંબરી રોકાણ બાંધકામ ક્ષેત્રે કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આ સિવાય નારાયણ સાંઇ અને આસારામના હજારો કરોડ રૂપિયાનો વહીવટ કરનારાઓ પૈકીના ચોક્કસ ઇસમો દ્વારા દારૂના ધંધા અને ચાના બગીચાની સાથે સાથે ફિલ્મ જગતમાં પણ મોટા પાયે રોકાણ કર્યુ હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે બોલીવુડમાં પણ નારાયણ સાંઇ અને આસારામનો પગપેસારાની શક્યતા વધુ ઘેરી બની છે. દેશભરમાં અમદાવાદ, સુરત, મોડાસા, મંુબઇ, પૂણે, ભોપાલ, જયપુર અને ઇન્દોર સહિત અંદાજે ૭૦ જેટલા સ્થળો પર શરૂ કરવામાં આવેલી સામૂહિક દરોડાની કામગીરી દરમિયાન આજે બીજા દિવસે પણ યથાવત રહેવા પામી છે.

જે પૈકી મંુબઇ અને જયપુરના સાધકો દ્વારા બોલીવુડમાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યુ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આ સિવાય સુરત-અમદવાદ અને અન્ય શહેરોમાં બાંધકામ ક્ષેત્રે પણ મોટા પાયે રોકાણ કરવામાં આવયું હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૧૩માં અમદાવાદ ખાતે એક ફલેટમાં નારાયણ સાંઇની ધરપકડ અંગે પાડવામાં આવેલા દરોડા દરમિયાન અધધધ ૪૨ પોટલાઓ મળી આવ્યા હતા. આ પોટલાઓમાંથી રજે રજની માહિતી મેળવવામાં ઇન્કમ ટેક્સની સફળતા સાંપડી હતી. અને જેને આધારે ગઇકાલે દેશભરમાં નારાયણ સાંઇ અને આસારામના આર્થિક સામ્રાજ્યના કેન્દ્ર બિંદુ સમાન ૭૦ જેટલા સ્થળો પર સાગમટે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી આજે પણ યથાવત છે. અને હાલના તબક્કે મોટા પાયે બેનંબરી રોકાણોની માહિતી મળી હોવાનું જાણવા મળ્યું છે.

 

જોકે સર્વે-સર્ચની આજે સતતબીજા દિવસે યથાવત રહેલી કામગીરી દરમિયાન અસંખ્ય વાંધાજનક દસ્તાવેજો, બેંક લોકર સહિતના વ્યવહારો મળી આવ્યા હોવાનું ઇનકમ ટેક્સ વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

You might also like