આસામ : પુરની સ્થિતી ફરી વણસી, બે લાખ મુશ્કેલીમાં

ગુવાહાટી : આસામમાં પુરની સ્થિતી ફરી એકવાર ગંભીર બની ગઇ છે. છેલ્લા થોડાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે આ સ્થિતી સર્જાઇ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ રાજ્યમાં ૨૮૦થી વધુ ગામોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ધેમાજી, કોકરાઝાર, ચિરાંગ, લખીમપુર, બોંગાઇગામ, તીનસુકિયા અને ડિબરુગઢમાં જિલ્લામાં આવેલા આશરે ૨૮૨ ગામોમાં માઠી અસર થઇ છે.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યુ છે કે પુરની સ્થિતીમાં સુધાર હાલમાં આવે તેવા કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. એકલા બોંગાઇગામ જિલ્લામાં કુદરતી હોનારતના કારણે ૧.૩૨ લાખ લોકોને અસર થઇ છે. જ્યારે ધેમાજી જિલ્લામા કુલ ૨૦,૦૦૦ લોકોને અસર થઇ છે. ૧૨૬૦૦ હેક્ટર પાક ભૂમિ હાલમાં પાણી હેઠળ છે. જુદા જુદા વિસ્તારમાં આશ્રય સ્થાન બનાવી દેવામાં આવ્યા છે. જેમાં ૧૭૫૦૦ લોકો રહે છે.

કોકરાઝાર, બોંગાઇગામ અને ચિંરાગમાં ૪૫ રાહત કેમ્પ સ્થાપિત કરવામાં આવ્યા છે.જોરહાટ ખાતે બ્રહ્યપુત્ર નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી છે. પુરના કારણે કોકરાઝારમાં અનેક માર્ગોને ભારે નુકસાન થયુ છે. સૌથી વધારે નુકસાન કોકરાઝાર, ધેમાજી અને ચિંરાગ જિલ્લામાં થયુ છે. આ વર્ષે આસામમાં પુરના કારણે મોતનો આંકડો પાંચ પર પહોંચી ગયો છે. જેમાં લખીમપુરમાં બેના મોત થયા છે. જ્યારે બોંગાઇગામ, બક્સા અને સોનિતપુરમાં એક એક વ્યક્તિના મોત થયા છે.

You might also like