આર્થિક કટોકટીમાં ઘેરાયેલા ગ્રીસના વડા પ્રધાન સિપ્રાસનું અંતે રાજીનામું

એથેન્સ (ગ્રીસ) : આર્થિક સંકટથી ઘેરાયેલા ગ્રીસના વડા પ્રધાન એલેક્સિસ સિપ્રાસે રાજીનામું આપી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવું બેલઆઉટ પેકેજ જાહેર થયા બાદ સિપ્રાસનો વિરોધ વધી રહ્યો હતો. એવું કહેવાય છે કે સિપ્રાસના નિર્ણયનો વિરોધ તેમના જ પક્ષના લોકો કરી રહ્યા છે. એક સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે રાજીનામું આપવાના સિપ્રાસના નિર્ણયના પગલે ૨૦ સપ્ટેમ્બર પહેલાં જ ચૂંટણી યોજવા માટે માર્ગ મોકળો થઈ ગયો છે.

સિપ્રાસે આ વર્ષે જ જનાદેશ મેળવીને ગ્રીસના વડા પ્રધાનનો હોદ્દો સંભાળ્યો હતો. તેમને લોકોનું ભારે સમર્થન પ્રાપ્ત થયું હતું. બેલઆઉટ માટે આંતરરાષ્ટ્રીય નેતાઓનું સમર્થન મેળવવા થયેલા એગ્રીમેન્ટ બાદ તેમણે પોતાના સિરિજા પક્ષનું સમર્થન ગુમાવી દીધું હતું, કારણ કે પક્ષમાં એક જૂથ આ એગ્રીમેન્ટનો વિરોધ કરી રહ્યું હતું. આ મામલામાં પ્રધાન વચ્ચે લાંબા સમયથી એક ચર્ચા ચાલી રહી હતી કે સિરિજા પાર્ટીના સાંસદો દ્વારા શુક્રવારે સંસદમાં ૮૬ અબજ યુરો (૯૬ અબજ ડોલર)ના પેકેજને સમર્થન નહીં મળવાની સ્થિતિમાં શું કરવું જોઈએ.

૨૦૧૦માં આઈએમએફ, યુરોપિયન સેન્ટ્રલ બેન્ક અને યુરોપિયન કમિશને સંયુક્ત રીતે ગ્રીસને કુલ ૨૪૦ અબજ યુરોની લોન આપી હતી, પરંતુ શરત એ મૂકી હતી કે સરકાર પોતાના ખર્ચમાં કાપ મૂકશે. ત્યાર બાદ મૂડી રોકાણકારો ગ્રીસની બેન્કોમાંથી પૈસા ઉપાડવા લાગ્યા હતા. આ માટે યુરોપિયન સેન્ટ્રલ બેન્કને ઈમર્જન્સી લિક્વિડિટી મદદ આપવી પડી હતી. 

૨૦૧૨માં મળેલી આ મદદ અનુસાર ત્યારે બેન્કોને સંપૂર્ણપણે નાદાર જાહેર કરવામાં આવી ન હતી, પરંતુ એવું જણાવાયું હતું કે બેન્ક કેશ કટોકટીનો સામનો કરી રહી છે, પરંતુ ગયા રવિવારે યુરોપિયન સેન્ટ્રલ બેન્કે જાહેર કરી દીધું હતું કે તે હવે પોતાની મદદને આગળ વધારશે નહીં.

You might also like