આરબીઆઈ હવે વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતા વધી

અમદાવાદઃ અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદરમાં કોઇ ફેરફાર નહીં કરી યથાસ્થિતિની પરિસ્થિતિ જાળવી રખાતાં હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આગામી ૨૯ સપ્ટેમ્બરની ક્રેડિટ પોલિસીની બેઠકમાં નીતિગત વ્યાજના દરમાં ઘટાડો કરાય તેવી શક્યતા વધુ મજબૂત બની છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ આ અગાઉ જણાવ્યું હતું કે યુએસની વ્યાજદર સંબંધી નીતિ પર આરબીઆઇની નજર છે. હવે જ્યારે સ્થાનિક મોરચે ફુગાવા સહિત સરકાર અને ઉદ્યોગજગતનું પ્રેશર છે તથા અમેરિકાએ પણ જ્યારે વ્યાજદરમાં કોઇ જ ફેરફાર નહીં કરતાં આરબીઆઇને ‘સ્પેસ’ મળી છે. તેથી આગામી ૨૯ સપ્ટેમ્બરની નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં આરબીઆઇ ૦.૨૫થી ૦.૫૦ ટકા સુધીનો વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતા મજબૂત બની છે.બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા લેવાયેલા નિર્ણયના પગલે દુનિયાભરના નાણાકીય બજારમાં કાંઇક અંશે રાહત થઇ છે. દરમિયાન સ્થાનિક મોરચે ઉદ્યોગજગત તથા અર્થશાસ્ત્રીઓ પણ આરબીઆઇના ઊંચા વ્યાજદરમાં ઘટાડો કરવાની માગ કરી રહ્યા છે. તાજેતરમાં સરકાર સાથે થયેલી બેઠકમાં પણ પ્રેશર વધાર્યું છે ત્યારે તહેવારો પૂર્વે આરબીઆઇ વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતા તેજ બની છે.
You might also like