આપણે સેક્યુલરિઝમના રાજકીય સ્ટંટમાંથી ક્યારે બહાર આવીશું?

દુનિયામાં અનેક ધર્મો, પંથો અને સંપ્રદાયો છે. ધાર્મિક સ્થળોમાં ઉપાસના, પૂજા, અર્ચન, ઇબાદત, પ્રાર્થના માટે અનેક વિધિ-વિધાન અને રીત-રિવાજો હોય છે. મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા, અગિયારી, બૌદ્ધ કેન્દ્ર વગેરે આદરણીય ઉપાસના-પ્રાર્થના સ્થળ માનવામાં આવે છે. દરેક વ્યકિત પોતાની શ્રદ્ધા અને ધર્મ અનુસાર પ્રાર્થના સ્થળ પર જઇને પ્રાર્થના કરે છે. દરેકને પોતાની અલગ રીત હોય છે.  આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસને કહેવાતા સેકયુલરિઝમ  સાથે કોઇ નિસ્બત હોતી નથી. સેકયુલરનો અર્થ જ છે ભૌતિક અને દુન્યવીવાદ. ઇશ્વર કોઇ દુન્યવી ઉપકરણ નથી. તે પ્રત્યેક ભૌતિક પદાર્થમાં અસ્તિત્વ ધરાવે છે. પરિણામે આસ્થા અને સેકયુલર બંને પરસ્પદ વિરોધી છે. 

જોકે ભારતમાં સેકયુલરિઝમની કાર્યપદ્ધતિ વિચિત્ર છે. ભારતમાં રાજનેતાઓનું મંદિર, મસ્જિદ, ચર્ચ વગેરેમાં જવાનું સેકયુલર ગણવામાં આવે છે. ધાર્મિક પ્રસંગે ખાસ પ્રકારની ટોપી પહેરવી સેકયુલરિઝમ ગણાય છે અને આવું નહીં કરનાર સાંપ્રદાયિક ગણવામાં આવે છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુકત આરબ અમીરાત (યુએઇ)ની મુલાકાત લીધી હતી.  તેઓ ત્યાંની વિશાળ મસ્જિદમાં ગયા હતા. તેમનું ત્યાં સ્વાગત થયું હતું. ભારતના વડા પ્રધાનની આ એક સહજ અભિવ્યકિત હતી. તેમની પ્રશંસા થઇ હતી. તેમની યાત્રા સફળ રહી હતી, કમનસીબે ભારતમાં મોદીની અમીરાત યાત્રાની દયનીય પ્રતિક્રિયા પ્રાપ્ત થઇ છે. તેમના સહજ આદરભાવને સેકયુલર તરીકે ખપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

મસ્જિદ પવિત્ર ઇબાદત સ્થળ છે, પરંતુ મસ્જિદમાં જનારને સેકયુલર હોવાની ગેરંટી આપવામાં આવી રહી છે. મંદિર, મસ્જિદ કે ચર્ચમાં જવાના મુખ્યત્વે બે કારણ હોય છે. પ્રથમ કારણ સર્વવિદિત છે, લોકો પોતાના ધર્મ-સંપ્રદાય કે પંથ અનુસાર જાય છે. બીજુ કારણ એ છે કે પોતાના ધર્મ-સંપ્રદાય, શ્રદ્ધા કે પંથથી અલગ સમુદાયો પ્રત્યે શ્રદ્ધાપૂર્વક આદરભાવ વ્યકત કરવા જે તે પ્રાર્થના-ઇબાદત સ્થળની મુલાકાત લેતા હોય છે, પરંતુ ભારતમાં મસ્જિદમાં જવાનું ત્રીજું કારણ આશ્ચર્યજનક છે. આપણે અહીં મસ્જિદ ગયા વગર સેકયુલર ગણાતા નથી, પરંતુ પ્રશ્ન એ છે કે સેકયુલરિઝમને મસ્જિદ, મંદિર કે ચર્ચમાં જવા સાથે શું લાગે વળગે છે?

નરેન્દ્ર મોદીની મસ્જિદ મુલાકાત પર મુફતી કાદરીએ ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે હવે એક વાત સ્પષ્ટ થઇ છે કે વડા પ્રધાન થયા બાદ મોદીએ પોતાના પદની જવાબદારી સારી રીતે સમજી લીધી છે. આ ટિપ્પણીનો અર્થ એ થયો છે કે જો મોદી મસ્જિદ ન જાય તો તેઓ બિનજવાબદાર છે. તેમના જણાવ્યા અનુસાર મસ્જિદ જવું એ બંધારણીય જવાબદારી અદા કરવા માટે જરૂરી છે. 

ભારતીય મુસ્લિમ વિકાસ પરિષદના ચેરમેનની ટિપ્પણી પણ નોંધનીય છે.  તેમણે જણાવ્યું હતું કે મસ્જિદ જવાની ઘટના વધુ એક રાજકીય સ્ટન્ટ છે. મોદી વાસ્તવમાં ભારતને સેકયુલર સિદ્ધ કરવા માગતા હોય તો તેમણે અબુધાબી પહેલાં ભારતની કોઇ મસ્જિદમાં જવાની જરૂર હતી. આ કોમેન્ટમાં ભારતને સેકયુલર થવા માટે પણ વડા પ્રધાનની મસ્જિદમાં જવાની ફરજ ગણાવવામાં આવી છે. ટૂંકમાં મસ્જિદ જાવ અને સેકયુુલર બની જાવ, અને ન જાવ તો સાંપ્રદાયિક જ રહો.

વાસ્તવમાં મોદી કોઇ તીર્થયાત્રી ન હતા. તેઓ સેકયુલર હોવાની અરજી આપવા ગયા ન હતા. મોદી ભારત અને યુએઇ વચ્ચે સંબંધોનો નવો સેતુ રચવા, ત્રાસવાદ વિરોધી સહયોગ વધારવા અને દ્વિપક્ષીય વેપાર વધારવા માટે સરકારી પ્રવાસ પર ગયા હતા. યુએઇની આ મસ્જિદ સમગ્ર દુનિયાનું આકર્ષણ છે. તેનું વિરલ સ્થાપત્ય અને આસ્થાના સુભગ સમન્વયને જોતાં આ મસ્જિદ સ્વાભાવિક રીતે દર્શનીય છે. મોદીએ આ મસ્જિદની મુુલાકાત લઇને દ્વિપક્ષીય શ્રદ્ધા અને આસ્થા શેર કરી છે. 

મોદી પોતાની જાતને સેકયુલર બતાવવા મસ્જિદ સંકુલમાં ગયા ન હતા. તેઓ ભારતના પ્રતિનિધિ તરીકે અમીરાતના પ્રવાસ પર હતા. તેમને સેકયુલર હોવાના પ્રમાણપત્રની કોઇ જરૂર નહોતી. મંદિર-મસ્જિદ સહિત તમામ શ્રદ્ધા કેન્દ્રો બિનસેકયુલર છે. અદૃશ્ય ઇશ્વર પણ સેકયુલર નથી. મસ્જિદ જવું કે ખાસ પ્રકારની ટોપી પહેરવી સેકયુલર થઇ જવાની ગેરંટી કેમ છે? ભારતે આવા સેકયુલરિઝમથી મુકિત જોઇએ છે. અહીં તમામ ધર્મ, સંપ્રદાય, પંથ અને શ્રદ્ધા અને આસ્થાનો આદર થવો જોઇએ.

You might also like