આનંદ માટે કરુણ ફિલ્મ જુઓ, મન મૂકીને રડો

વર્ષોથી વિજ્ઞાનીઓ કહે છે કે, લાગણીની બાબતે મહિલાઓ પુરુષો કરતાં વધુ સહનશીલ હોય છે. આમ શા માટે બને છે તેનો નક્કર પુરાવો મળતો નહોતો. એમ કહેવાતું કે, મહિલાઓ જાહેરમાં ખુલ્લા દિલથી રડી શકે છે. એટલે લાગણીમાં મજબૂત રહી શકે છે. વર્ષો અગાઉ કરુણકથાની ‘આનંદ’ જેવી ફિલ્મોમાં મહિલા પ્રેક્ષકોનાં ડૂસકાં સ્પષ્ટ સંભળાતા. આ વાતને સાચી પુરવાર કરતો એક પ્રયોગ તાજેતરમાં થયો.

નેધરલેન્ડ્સની ‘ટિલબર્ગ યુનિવર્સિટી’ના સંશોધક અસ્મિર ગ્રાકાનિનની આગેવાનીમાં ખરેખર રડવાથી મનોવૈજ્ઞાનિક રીતે કેવા ફેરફાર થાય છે એ તપાસવા એક પ્રયોગ થયો. તેમણે ૬૦ વ્યક્તિને નાના થિયેટરમાં બેસાડીને બે ફિલ્મો બતાવી. ખાનગી વીડિયો કેમેરા વડે પ્રેક્ષકોના ચહેરા તપાસ્યા. હિટલરના કોન્સેન્ટ્રેશન કેમ્પમાં પુત્રને છેક સુધી સધિયારો આપતા પિતાની કથા કહેતી ૧૯૯૭ની કરુણ ફિલ્મ ‘લાઈફ ઈઝ બ્યુટીફૂલ’ અને માલિકના મૃત્યુ પછીય વફાદાર રહેતા શ્વાનની પીડા કહેતી ૨૦૦૯ની ફિલ્મ ‘હાશીઃ અ ડોગ્સ ટેલ.’ આ બંને ફિલ્મ જોતાં ૩૨ વ્યક્તિના ચહેરા પર કશો ફરક ન પડ્યો. બાકીના ૨૮ પ્રેક્ષકો ફિલ્મ જોતાં રડી પડ્યા. રડનારામાં મોટા ભાગની મહિલાઓ હતી.

પ્રેક્ષકોને દર અડધા કલાકે પૂછવામાં આવ્યું કે, કેવું લાગે છે? ફિલ્મ જોયા પછી રડનારી વ્યક્તિને ‘દુઃખ’ થયું, પરંતુ વીસ જ મિનિટમાં ‘સામાન્ય’ બની ગયા, બીજા અડધા કલાક પછી એમને ‘સારું’ લાગવા માંડ્યું અને એક કલાક પછી ‘ખૂબ સારું’ લાગવા માંડ્યું. આમ થવાનું કારણ તપાસતાં નિષ્ણાતોએ તારણ મેળવ્યું કે, હૃદયના ઊંડાણથી રડ્યા પછી મગજમાં આનંદનો અનુભવ કરાવતું ઓક્સિટોસિન રસાયણનો વધુ સ્ત્રાવ થવા માંડે છે. આ રસાયણનો સ્ત્રાવ વધતો જાય તેમ આનંદ વધતો જાય છે. હૃદયને રુંધતી પીડાના અનુભવથી પરિણમતાં દરેક રુદન પછી આનંદની આ લાગણી વ્યક્તિને માનસિક રીતે આશા જગાવે છે કે, દુઃખની દરેક ક્ષણ પછી આનંદની ભરતી ચઢશે.

 

You might also like