આનંદીબહેને પોતાના બંગલે કેબિનેટની ઈમરજન્સી મીટિંગ બોલાવી

અમદાવાદ:  જીએમડીસી ગ્રાઉન્ડ પર પાટીદારોની મહાસભામાં પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનર હાર્દિક પટેલે રાજ્ય સરકારને સીધો પડકાર ફેંકીને સંઘર્ષના મંડાર કર્યા છે. હાર્દિક પટેલે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ ખુદ આવીને આવેદનપત્ર ન સ્વીકારે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરતાં રાજ્ય સરકાર હચમચી ઊઠી છે. હાર્દિક પટેલના માસ્ટર સ્ટ્રોકથી હચમચી ઉઠેલી ગુજરાત સરકાર દોડતી થઈ ગઈ છે. ગુજરાતનાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે આ અંગે સમીક્ષા કરવા તાત્કાલિક પોતાના બંગલે કેબિનેટની ઇમરજન્સી મીટિંગ બોલાવી છે. 

મુખ્યમંત્રી દ્વારા બોલાવાયેલી તાત્કાલિક બેઠકમાં નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, મંગુભાઈ સહિતના નેતા પહોંચ્યા છે. આ ઉપરાંત ચીફ સેક્રેટરી ગંગારામ અલોરિયા તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આનંદીબહેન પટેલના નિવાસસ્થાને પહોંચ્યા છે. આ ઉપરાંત ભાજપના નેતાઓને પણ મુખ્યમંત્રીએ પોતાના નિવાસસ્થાને બોલાવ્યા છે. ત્યારે મળતી વિગતો અનુસાર કેટલાક મંત્રીઓ એવું માની રહ્યાં છે, પરિસ્થિતિ વણસે તે પહેલાં જ મુખ્યમંત્રીએ જીએમડીસી ગ્રાઉન્ડ પર જઇને આવેદન પત્રનો સ્વીકાર કરી લેવો જોઇએ. જોકે આ સિવાયના પણ અન્ય વિકલ્પો પર વિચારણાં ચાલી રહી છે. 

You might also like