આધાર કાર્ડ પ્રોજેક્ટમાં પણ યુપીએ સરકારે કર્યા ગોટાળા: રિપોર્ટ

મુંબઈ : અગાઉની યુપીએ સરકારે ટેન્ડર જારી કર્યા વગર જ ૧૩૦૦૦ કરોડનો આધાર કાર્ડ પ્રોજેક્ટ આપી દીધો હતો. આરટીઆઈ અરજીના જવાબમાં આ અંગેની ચોંકાવનારી વિગત સપાટી ઉપર આવી છે.

આરટીઆઈ કાર્યકર અનિલ ગલગલીએ  યુઆઈડીએઆઈ અધિકારીઓને આરટીઆઈ હેઠળ પ્રશ્નો સુપરત કર્યા હતા. સાથે સાથે આ પ્રોજેક્ટ ઉપર ખર્ચ કરવામાં આવેલી રકમ અંગે વિગતો માંગી હતી. એ વખતે ટેકનોક્રાફ્ટ નંદન નિલકાનીના નેતૃત્વમાં આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.

જવાબમાં યુઆઈડીએઆઈના અધિકારીઓએ કહ્યું હતું કે, ૧૩૬૬૩.૨૨ કરોડનો કોન્ટ્રાક્ટ કોઇપણ પ્રકારના ટેન્ડર વગર આપી દેવામાં આવ્યો હતો જે પૈકીના આધારકાર્ડ પર ૯૦.૩ કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવી ચુક્યો છે. અધિકારીઓએ કહ્યું છે કે, કુલ ૨૫ કંપનીઓને આ મોટા પ્રોજેક્ટ માટેની જુદી જુદી જવાબદારી સોંપવામાં આવી હતી. સાથે સાથે તેમની કામગીરી માટે પણ શરતો મુકવામાં આવી હતી.

આઘાતજનક બાબત એ છે કે, સુપ્રીમ કોર્ટ અનેસિવિલ સોસાયટી ગ્રુપ દ્વારા ઘણી બાબતોને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ગલગલીએ કહ્યું છે કે, ૧૨૫ કરોડ લોકોની વસતીના પર્સનલ ડેટા આપવાના અધિકારને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. યુઆઈડીએઆઈમાં તપાસ કરવા આદેશ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરવામાં આવી હતી.

 

આધાર કાર્ડ માટેના કોન્ટ્રાક્ટ આપવા માટેના કામમાં પારદર્શકતાની ખાતરી કરવાના હેતુસર આ આદેશ કરવામાં આવ્યો હતો. ફિંગરપ્રિન્ટના સેન્સેટિવ ડેટાને લઇને પણ ચિંતા વ્યક્ત કરાઈ હતી. માહિતી મુજબ કેટલીક કંપનીઓને એકથી વધારે પ્રોજેક્ટ અપાયા હતા.

You might also like