આજે વિરાટના ‘માનીતાઓ’ને ધોની કટકના મેદાનમાં ઉતારશે?  

કટકઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ટીમનો જાદુઈ કેપ્ટન માનવામાં આવે છે. તે જ્યારે પણ ટીમની પસંદગી કરે છે ત્યારે પોતાના હિસાબે અને પોતાની રીતે કરે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગત શુક્રવારે રમાયેલી પહેલી ટી-૨૦ મેચમાં કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી. પહેલી ટી-૨૦ મેચમાં ધોનીએ જે ટીમ પસંદ કરી તેમાં ઇનફોર્મ બેટ્સમેન અજિંક્ય રહાણે, અમિત મિશ્રા, હરભજનસિંહ અને સ્ટુઅર્ટ બિન્નીને ટીમની બહાર રાખવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે અજિંક્ય રહાણે, અમિત મિશ્રા અને હરભજનસિંહ વિરાટ કેમ્પના હોવાનું માનવામાં આવે છે. હવે આજે રાયડુના સ્થાને અજિંક્ય રહાણે, અક્ષરના સ્થાને અમિત મિશ્રા, અરવિંદના સ્થાને સ્ટુઅર્ટ બિન્નીને કેપ્ટન ધોની તક આપશે ખરો?

ધોનીના ઘણા નિર્ણયો હંમેશાં ચોકાવનારા હોય છે, પરંતુ આ જ તેનો અંદાજ છે. કેટલાક લોકોનું માનવું છે કે ટીમ ઇન્ડિયાની અંદર ચાલી રહેલા રાજકારણને કારણે રહાણે અને હરભજનસિંહને બહાર બેસવાનો વારો આવ્યો. હાલમાં અજિંક્ય રહાણે જબરદસ્ત ફોર્મમાં છે. તાજેતરમાં જ તેણે શ્રીલંકાના પ્રવાસ દરમિયાન સદી ફટકારી હતી. એ પહેલાં તેને ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરવાનો પણ મોકો મળ્યો હતો. તેમ છતાં ટીમ ઇન્ડિયાના ટી-૨૦ અને વન ડે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ અજિંક્યના સ્થાને અંબાતી રાયડુને મેદાનમાં ઉતાર્યો અને ધોનીના આ નિર્ણયથી ઘણા ક્રિકેટ ચાહકોના મનમાં સવાલ પણ ઊઠ્યા હતા.

તમને યાદ હશે કે એક વાર ધોનીએ વન ડે ફોર્મેટ માટે અજિંક્ય રહાણેની બેટિંગ અંગે ટીકા કરી હતી. ધોનીએ એ સમયે કહ્યું હતું કે ભારતીય ઉપખંડમાં ધીમી પીચો પર સ્ટ્રાઇક રોટેટ કરવામાં મુશ્કેલી પડે છે. ધોનીના એ નિવેદન બાદ રહાણેએ કહ્યું હતું કે ધોનીભાઈએ મને ફિડબેક આપ્યો છે અને મેં તેને સકારાત્મકરૂપે લીધો છે. મારું લક્ષ્ય વન ડેમાં સતત સારું પ્રદર્શન કરવાનું છે. વિરાટ કોહલીની ટીમમાં સ્થાન મેળવનારો હરભજનસિંહ ધોનીની ટીમમાં ક્યાંય ફિટ બેસતો નથી.

જોકે ટીમના ડિરેક્ટર રવિ શાસ્ત્રીનું કહેવું છે કે ટીમ ઇન્ડિયામાં કોઈ પ્રકારનું રાજકારણ ચાલી રહ્યું નથી. જોકે શાસ્ત્રીની આ વાત પણ શંકા ઉપજાવે તેવી છે, કારણ કે પહેલી મેચ ધર્મશાલાના ઠંડા વાતાવરણમાં રમાઈ હતી. આવા  વાતાવરણનો લાભ સ્વિંગ બોલર જરૂર ઉઠાવી શકે છે. એસ. અરવિંદને શ્રેણીની પહેલી જ મેચમાં ધોનીએ પદાર્પણ કરાવ્યું ને જે ઠંડા વાતાવરણનો ભરપૂર ફાયદો ઉઠાવી શકે એમ હતો એ સ્ટુઅર્ટ બિન્નીને બાઉન્ડ્રીની બહાર બેસાડી રાખ્યો.

પહેલી મેચમાં ભારતના પરાજયમાં મહત્ત્વનો ભાગ ભજવનાર અક્ષર પટેલના સ્થાને ધોની જબરદસ્ત બોલિંગ કરી રહેલા અમિત મિશ્રાને મેદાનમાં ઉતારી શક્યો હોત, પરંતુ ધોનીએ એમ કર્યું નહીં. આ બધી વાત પરથી એક વાત તો નક્કી જ છે કે ધોની કેમ્પ અને વિરાટ કેમ્પ વચ્ચે કોલ્ડ વોર તો ચાલી જ રહ્યું છે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

You might also like