આજે આખી દુનિયા જોશે વિજેન્દ્રના મુક્કાનો દમ

માન્ચેસ્ટરઃ બધાને ચોંકાવીને અને તમામ ટીકાઓનો સામનો કર્યા બાદ પ્રોફેશનલ બોક્સિંગમાં ઊતરી રહેલો ભારતીય સ્ટાર વિજેન્દ્રસિંહ આજે રાત્રે ભારતીય સમય પ્રમાણે ૧૦.૨૦ વાગ્યે બ્રિટનના સોની વાઇટિંગ વિરુદ્ધ પોતાની નવી ઇનિંગ્સની શરૂઆત કરવા ઉત્સુક છે. ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયનશિપમાં મેડલ જીતીને ભારતીય બોક્સિંગની તસવીર બદલી નાખનાર વિજેન્દ્ર પોતાની બોક્સિંગ કરિયરનો નવો અધ્યાય શરૂ કરશે. મૂળ હરિયાણાના વિજેન્દ્ર અને બ્રિટીશ બોક્સર સોની વચ્ચે મિડલ વેઇટ વર્ગમાં માન્ચેસ્ટર એરેનામાં ચાર રાઉન્ડનો મુકાબલો ખેલાશે. આ મુકાબલાને ‘વર્લ્ડ વોર ૩’ નામ આપવામાં આવ્યું છે.બંને બોક્સરે દર્શકોને શાનદાર બાઉટનું આશ્વાસન આપ્યું છે. વાઇટિંગ અત્યાર સુધીમાં ત્રણ મુકાબલા માટે રિંગમાં ઊતર્યો છે, જેમાંથી બે મુકાબલા જીત્યો છે અને એકમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન શિપમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકેલા વિજેન્દ્રએ જુલાઈમાં ક્વીન્સબેરી પ્રોમોશન્સ સાથે કરાર કર્યો હતો. તેના આ નિર્ણયની ઘણી આકરી ટીકાઓ પણ થઈ હતી. એટલે સુધી કે વિજેન્દ્રએ હરિયાણા પોલીસની નોકરીમાંથી રજા લેવા માટે અદાલત સુધી પણ જવું પડ્યું હતું.મુકાબલા પહેલાં ૨૯ વર્ષીય વિજેન્દ્રએ કહ્યું, ”હું લક્ષ્ય પર ફોકસ કરી રહ્યો છું અને રિંગમાં યોગ્ય તકની રાહ જોઈ રહ્યો છું. હું વાઇટિંગનાં નિવેદનોથી જરાય વિચલિત થયો નથી. હું મારા મુક્કાથી જવાબ આપીશ.” વિજેન્દ્ર મશહૂર ટ્રેનર લી બિયર્ડ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે, જેઓ વિજેન્દ્રની ટેક્નિક અને કૌશલ્યથી ઘણા પ્રભાવિત છે. છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વિજેન્દ્ર લી બિયર્ડ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે.સફેદ ટુવાલનો અર્થ સરેન્ડર…પ્રોફેશનલ મુકાબલામાં ભાગ લેનારાના બંને બોક્સરને રિંગ કોર્નર આપવામાં આવે છે, જ્યાં તેઓ બાઉટ ખતમ થયા પછી મળતા સમયમાં આરામ કરે છે. કોર્નરમાં બોક્સર ઉપરાંત ત્રણ અન્ય સહયોગી સ્ટાફ હોય છે. મેચ દરમિયાન જો બોક્સરનો જીવ જોખમમાં હોય તો કોર્નર પાસે સફેદ ટુવાલ દેખાડીને ફાઇટ ખતમ કરવાનો અધિકાર હોય છે. જેનો અર્થ એ છે કે એ બોક્સરે સરેન્ડર કરી દીધું છે.
You might also like