આજથી નવલી નોરતાનો આરંભ  ખૈલેયાઓમાં થનગનાટ

વડોદરા/અમદાવાદ : શહેરમાં આવતીકાલથી નવલી નવરાત્રિનો પ્રારંભ થવાનો હોઇ માંઇ ભકતોમાં ભારે ઉત્સાહ અને ઉલ્લાસ છવાયેલો જોવા મળી રહયો છે. શહેરના વિવિધ માંઇ મંદિરોને રંગબેરંગી તોરણો અને રોશનીથી શણગારવામાં આવ્યા છે. મંદિરો ઉપરાંત અનેક મેદાનોમાં મસમોટા ગરબાનું આયોજન થનાર હોવાથી તમામ મેદાનોમાં આયોજકો દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.

માતાજીના આરાધના પર્વ શારદીય આસો નવરાત્રિનો પ્રારંભ આવતીકાલથી થનાર હોવાથી શહેર-જિલ્લાના માંઇ મંદિરોને નવા સાજધાજ સજવામાં આવ્યા છે. નવરાત્રિના પર્વને લઇને યુવાધનમાં ખાસ કરીને ભારે ઉત્સાહ અને ઉન્માદ જોવા મળી રહયો છે. ખૈલેયાઓ ગરબે ઘુમવા માટે અનેરા થનગનાટ સાથે તૈયારીમાં જોતરાયા છે. માનુનીઓ દ્વારા નવરાત્રિના પર્વને લઇને ગરબે ઘુમવા માટે ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે. શહેરના નવાબજાર, અલકાપુરી, લાલબાગ, માંડવી વિસ્તારમાં ખરીદીને ભારે ભીડ જોવા મળી રહી છે.

 

શહેરના વિવિધ વિસ્તારોમાં મોટાપાયે ગરબાનું આયોજન કરવામાં આવે છે અને જાણીતા ગાયકો દ્વારા ખૈલેયાઓને ગરબે ડોલવવા માટે ખાસ તૈયારીઓ રીયાઝ કરવામાં આવી રહયો છે. નવા ગરબાઓની રમઝટ આવતીકાલથી મેદાનોમાં જામશે.સંસ્કાર નગરીની આગવી ઓળખ એવા ગરબાને કારણે ભારે ઉલ્લાસ અને ઉમંગ જોવા મળી રહયો છે. નવરાત્રિ પર્વ દરમિયાન માંઇ મંદિરોમાં અનુષ્ઠાનો, નવચંડીનું આયોજન કરવામાં આવે છે.

તો નવરાત્રિના કારણે અનેક લોકો પોતાના ઘરે ગરબાની સ્થાપના કરે છે. જેને કારણે માતાજીના આભુષણોથી માંડીને ચુંદડી પુજાપાની ખરીદીમાં પણ ભારે ધસારો જોવા મળ્યો હતો. શહેરમાં કેટલીક ઠેકાણે બીફોર નવરાત્રીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

You might also like