આજથી નવલી નવરાત્રિનો ઉત્સાહભેર આરંભ

અમદાવાદ  : આવતીકાલથી આદ્ય શકિત માતાના નવલા નોરતાનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં મહાનગરથી લઈને નાના ગામડાઓ સુધી માના ગરબાની સ્થાપના એટલે કે ઘટ સ્થાપન કરી નવ નવ દિવસ સુધી માની આરતી અને પૂજા તેમજ હવન કરીને માની દરરોજ આરાધના કર્યા બાદ મોડી રાત સુધી ખેલૈયાઓ મનભભરીને ગરબાની રમઝટ બોલાવશે. આ નવ દિવસ દરમિયાન યુવાધન ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજજ થઈને ગરબે ઘુમશે.

દર વર્ષે આસો સુદ એકમથી નોમ સુધી નવરાત્રિનું પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસોમાં દરરોજ માની આરાધના અને આરતી-પૂજા થયા બાદ મોડીરાત સુધી ગરબાની રમઝટ જામતી હોય છે. અમદાવાદ સહિતના અન્ય મહાનગરોમાં વિવિધ પાર્ટી પ્લોટો અને કલબો કે રિર્સાેટ અને સોસાયટીઓમાં ગરબાનું આયોજન થાય છે. જોકે છેલ્લાં કેટલાંક સમયથી નવરાત્રિ દરમિયાન થતા ગરબા અથવા અન્ય મનોરંજક કાર્યક્રમોમાં વધુ પડતી ઝાકમઝાળ અને વેપારીકરણ અભિગમ વધી રહ્યો હોય તેમ લાગે છે.

જ્યારે બીજી તરફ વર્ષાેવર્ષ આયોજકો દ્વારા  જે તે પાર્ટીપ્લોટો અથવા કલબોમાં ગરબાનું આયોજન થાય છે તેના ટિકિટના દરોમાં પણ વધારો થઈ રહ્યો છે જેના કારણે સામાન્ય પરિવારના લોકોને તેમની સોસાયટીઓ અથવા પોળોમાં જ ગરબા નિહાળવા પડે છે. નવરાત્રિ દરમિયાન કેટલાંક માતાજીના ભકતો નવ દિવસ માતાજીનું અનુષ્ઠાન કરે છે. અને નવ દિવસ ઉપવાસ કરે છે.

ભાદરવા માસથી શરદઋતુનો આરંભ થાય છે. તેથી આ સમય દરમિયાન મચ્છર  અને જીવજંતુના ઉપદ્રવથી રોગચાળો ફેલાતો હોય છે. તેથી આ સમય દરમિયાન નવરાત્રિના ઉપવાસ કરવાથી અને માત્ર ફળાહાર કરવાથી શરીર શુદ્ધિ થાય છે. તેથી આપણા વેદોએ પણ શકિત ઉપાસનાને વધુ મહત્વ આપ્યુ છે. નવરાત્રિના પર્વ દરમિયાન અગાઉ શેરી ગરબાનું વિશેષ મહત્વ હતું તે થોડા વર્ષાેથી ઘટી ગયું હોય તેમ શેરી ગરબાને સ્થાને પાર્ટીપ્લોટ અને કલબ કલ્ચર વધી ગયું છે.

જેના કારણે નવરાત્રિમાં સ્પષ્ટપણે બે ભાગ પડી ગયા હોય તેમ એક વર્ગ ડીજેના તાલે તો બીજો વર્ગ પરંપરાગત શેરી ગરબાનો આગ્રહ રાખતા હોય છે. ખાસ કરીને યુવાધનને પાર્ટીપ્લોટો કે કલબમાં યોજાતા ગરબામાં જ વિશેષ રસ હોય છે. તેથી મોટાભાગના યુવક અને યુવતીઓેને આવા ગરબા પ્રત્યે વિશેષ આકર્ષણ હોય છે. તેથી તેઓ નવ દિવસ મળતી આઝાદીનો લાભ લઈને શરીર પર અવનવા ટેટુ કે મનપસંદ ટ્રેડિશનલ વસ્ત્રો ધારણ કરીને ગરબે ઘૂમીને નવરાત્રિનો આનંદ મનભરીને માણતા હોય છે.

 

શકિત સાથે ભકિતનો સમન્વય એટલે વિજયાદશમી દશેરાનો ઉત્સવ આ દિવસે ભગવાન શ્રીરામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયુ હતું. જેમાં રામે રાવણનો વધ કર્યાે હતો. તેથી આ દિવસે રાવણના પુતળા બનાવીને તેનું દહન કરવામાં આવે છે. આમ નવરાત્રિના પારંપરિક ઉજવણી થાય છે.

You might also like