આજથી તત્કાળ ટિકિટના બુકિંગ વખતે આઈડી પ્રૂફ આપવું નહીં પડે!

મુંબઈ : પહેલી સપ્ટેમ્બરથી તત્કાળ ટિકિટની ખરીદીના નિયમમાં સુધારો કરવાનો રેલવે મંત્રાલયે નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. તત્કાળ ટિકિટના બુકિંગમાં ઓન લાઇન અથવા બુકિંગ વિન્ડો મારફત ખરીદી વખતે પ્રવાસીને હવેથી ઓળખ પત્ર (આઈડેન્ટિટી પ્રૂફ)ની નકલ આપવાનું જરૂરી રહેશે નહીં, એવું સાધનોએ જણાવ્યું હતું. પહેલી સપ્ટેમ્બરથી તત્કાળના નિયમમાં સુધારો આવી જશે. આમ છતાં તત્કાળ ટિકિટની ખરીદી અન્વયે જર્ની દરમિયાન પ્રવાસીએ તેનું ફોટો આઇડી ટિકિટ ચેકરને બતાવવાનું ફરજિયાત રહેશે.

પ્રવાસ દરમિયાન પ્રવાસી તેનું ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, પેન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, કેન્દ્ર અથવા રાજય સરકારનું ઓળખપત્ર, સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીનું ઓળખપત્ર, રાષ્ટ્રીયકૃત બેંકની ફોટોવાળી પાસબુક, બેંકનું ફોટોવાળુ ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ અથવા કોઇ પણ સરકારી, જાહેર એકમ દ્વારા બહાર પાડવામાં આવેલું ઓળખપત્ર બતાવી શકે છે. જોકે, જર્ની દરમિયાન પ્રવાસી તેનું ઓળખપત્ર બતાવવામાં નિષ્ફળ રહે તો તેની વિરુદ્ઘ ગેરકાયદે ટ્રાવેલિંગ બદલ દંડની વસૂલાત કરવામાં આવશે, એવું રેલવે મંત્રાલયના અહેવાલમાં જણાવાયું હતું.

મધ્ય રેલવેના કમર્શિયલ વિભાગના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે આજથી તત્કાળ ટિકિટના બુકિંગ દરમિયાન પ્રવાસીને આઇડી પ્રૂફ આપવાનું જરૂરી રહેશે નહીં, પણ તત્કાળ ટિકિટના બુકિંગ પછી ટ્રાવેલિંગ દરમિયાન આઇડી પ્રૂફ આપવાનું રહેશે. રેલવે પ્રવાસી સંગઠનનાં સાધનોએ કહ્યું હતું કે આ સુધારો કદાચ પ્રવાસી માટે એક બાજુ રાહતજનક હોઇ શકે છે, પરંતુ બીજી બાજુ દલાલો માટે ટિકિટના બુકિંગમાં મોકળું મેદાન મળશે.

 

તત્કાળના બુકિંગના નિયમમાં સુધારો પ્રવાસીઓના નહીં, પણ દલાલોના હિતમાં છે. પહેલી સપ્ટેમ્બરથી અમલી બનતા નવા નિયમને કારણે રિઝર્વેશન ટિકિટના કાળાબજાર કરનારા દલાલોને વધારે રાહત થશે. રેલવે મંત્રાલય દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય કમનસીબ છે, એવું મુંબઈ રેલવે પ્રવાસી સંઘના પ્રમુખ સુભાષ ગુપ્તાએ જણાવ્યું હતું.

You might also like