આગામી મહિને ટીવી અને ફ્રીજ વધુ મોંઘાં થશે

મુંબઇઃ આગામી મહિને ટેલિવિઝન, ફ્રીજ, વોશિંગ મશીન તથા માઇક્રોવેવ ઓવન મોંઘાં થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ડોલર સામે રૂપિયામાં જોવા મળેલી નરમાઇના પગલે આયાતી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં સ્થાનિક બજારમાં તેની પડતર ઊંચી જોવાતાં આ ભાવવધારો થશે તેવો મત કંપનીઓ દ્વારા વ્યક્ત થઇ રહ્યો છે. સેમસંગ, એલજી સહિત સોની અને અન્ય કન્ઝ્યુમર ડ્યુરેબલ ગુડ્સ કંપનીઓના ટ્રેડ પાર્ટનર્સે જણાવ્યું કે કિંમતોમાં જે વધારો થનાર છે તે ગ્રાહકો ઉપર એકસામટો ન પડે તે માટે તબક્કાવાર આ ભાવવધારો કરવામાં આવી શકે છે. ડીલર્સના કહેવા પ્રમાણે ડોલર સામે રૂપિયામાં જોવા મળેલી નરમાઇની અસર બધી જ બ્રાન્ડ ઉપર જોવા મળી રહી છે. અને તેને કારણે તહેવારો પૂર્વે જ કંપનીઓએ ભાવમાં વધારો ઝીંકવા માટે મજબૂર થવું પડી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે કન્ઝ્યુમર ગુડ્સમાં વપરાતા કેટલાક પાર્ટ્સનું ભારતમાં મેન્યુફેક્ચરિંગ થાય છે, તેમ છતાં પણ કેટલાક એવા પાર્ટ્સ છે તેની આયાત કરવામાં આવે છે અને આયાત થતા પાર્ટ્સની પડતર ઊંચી આવવાને કારણે જ આગામી દિવસોમાં તમામ કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓએ ભાવવધારો ઝીંકવો પડી રહ્યો છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે મોટા ભાગના કન્ઝ્યુમર ગુડ્સમાં આગામી મહિને ત્રણથી  પાંચ ટકા સુધીનો ભાવવધારો આવી શકે છે.
You might also like