આક્રમકતાની ડંફાશ મારનારા રવિ શાસ્ત્રીને કારણે જ જીત નહોતી મળી

નવી દિલ્હીઃ ભારતીય ટીમનાે ડિરેક્ટર રવિ શાસ્ત્રી રમતમાં આક્રમકતાથી વાતો કરી રહ્યો છે અને અને ટેસ્ટમાં ડ્રોના બદલે જીતવાનો પ્રયાસ કરવો જોઈએ તેવી ડંફાશ મારી રહ્યો છે. તાજેતરમાં જ શ્રીલંકાના પ્રવાસ દરમિયાન તેણે આ જ વલણ અપનાવીને કહ્યું હતું, ”મેચમાં જીતવાનું વલણ રાખવું જોઈએ, પછી ભલે આપણે હારી જઈએ.” પરંતુ જેટલી વાતો તે આક્રમક વલણને લઈને કરી રહ્યો છે એટલી આક્રમકતા રવિ શાસ્ત્રી પોતાની રમતમાં નહોતો દેખાડી શક્યો. તેના કારણે જ ભારતને આજથી ૨૯ વર્ષ પહેલાં જીતના બદલે ટાઈ મેચથી જ સંતોષ માનવો પડ્યો હતો.ઓસ્ટ્રેલિયાએ ૫૭૪ રન ખડક્યા૧૯૮૬માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટેસ્ટની શ્રેણીની પ્રથમ મેચ મદ્રાસ (ચેન્નઈ)માં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરવાનું પસંદ કર્યું અને ડીન જોન્સ (૨૧૦), ડેવિડ બૂન (૧૨૨) અને એલન બોર્ડર (૧૦૬)ની સદીઓની મદદથી સાત વિકેટે ૫૭૪ રન ખડકી ઇનિંગ્સ ડિકલેર કરી દીધી હતી. તેના જવાબમાં ભારતની પહેલી ઇનિંગ્સ ૩૯૭ રનમાં સમેટાઈ ગઈ. ભારત તરફથી કપિલદેવે સૌથી વધુ ૧૧૯ રન બનાવ્યા.ભારતને ૩૪૮ રનનો ટાર્ગેટ મળ્યોબીજી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાએ મેચના પાંચમા દિવસે પાંચ વિકેટે ૧૭૦ રન બનાવી ઇનિંગ્સ ડિકલેર કરી દીધી. ત્યાર બાદ ભારતને ૮૭ ઓવરમાં જીત માટે ૩૪૮ રનનું લક્ષ્ય મળ્યું હતું. ભારતે બીજી ઇનિંગ્સમાં સારું પ્રદર્શન કરતાં ટી ટાઇમ સુધીમાં બે વિકેટે ૧૯૦ રન બનાવી લીધા હતા. મેચના અંતિમ તબક્કામાં ભારતને પાંચ ઓવરમાં જીત માટે ૧૮ રનની જરૂર હતી અને ચાર વિકેટ બાકી હતી. એક છેડે રવિ શાસ્ત્રી બેટિંગ કરી રહ્યો હતો. સેકન્ડ લાસ્ટ ઓવરમાં ભારતની નવમી વિકેટ પડી, પરંતુ જીત માટે ફક્ત ચાર રનની જરૂર હતી.એક રન લઈને શાસ્ત્રી સ્ટ્રાઇકમાંથી હટી ગયોઅંતિમ ઓવરમાં શાસ્ત્રીએ બીજા બોલ પર બે રન લીધા. ત્યાર બાદ શાસ્ત્રી ત્રીજા બોલ પર એક રન લઈને નોન સ્ટ્રાઇક એન્ડ પર ચાલ્યો ગયો. એ રનથી ભારત પર હારનો ખતરો તો ટળી ગયો, પરંતુ હવે સ્ટ્રાઇકમાં નંબર દસ બેટ્સમેન મનીન્દરસિંહ હતો. જીતનો આધાર હવે તેના પર આવી ગયો, પરંતુ તે પાંચમા બોલ પર એલબીડબલ્યુ આઉટ થઈ ગયો. આ સાથે જ ભારત હાર્યું તો નહીં, પરંતુ જીતથી હાથ જરૂર ધોવા પડ્યા હતા અને એ બધું થયું રવિ શાસ્ત્રીની હારથી બચવાના નિર્ણયને કારણે. એ ટેસ્ટ ક્રિકેટની ફક્ત બીજી ટાઇ ટેસ્ટ હતી.
You might also like