આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ઇશાંત-પૂજારા ટોપ ૨૦માં

દુબઇ: ફાસ્ટ બોલર ઇશાંત શર્મા અને બેટસમેન ચેતેશ્વર પૂજારાએ શ્રીલંકા સામે ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં કરેલા શાનદાર પ્રદર્શનથી આઇસીસીની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં ટોપ ટ્વેન્ટીમાં જગ્યા બનાવી છે. પૂજારાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કરેલા ખરાબ પ્રદર્શનથી વર્ષની શરૂઆતમાં ટોચના ૨૦ ખેલાડીઓની યાદીમાંથી બહાર થઇ ગયો હતો. પરંતુ કોલંબો ટેસ્ટમાં અણનમ શતકીય ટેસ્ટ શતકથી આઠ મહિના પછી ફરી ટોચના ૨૦ બેટસમેનોની યાદીમાં સામેલ થયો છે. ભારતે આ ટેસ્ટ મેચ ૧૧૭ રને જીતી શ્રેણી ૨-૧થી પોતાના નામે કરી હતી. ટોચના ૨૦ ખેલાડીઓમાં કપ્તાન વિરાટ કોહલી ૧૧મા સ્થાને અને પૂજારા વીસમા ક્રમે છે. આ ઉપરાંત રોહિત શર્મા બે સ્થાન ઉપર ચઢી ૪૮મા અને રવિચંદ્રન અશ્વિન પાંચ ક્રમનો કૂદકો લગાવી ૫૦મા સ્થાને પહોંચ્યો છે.શ્રીલંકાના કપ્તાન એન્જેલો મેથ્યૂઝ બીજા દાવમાં ૧૧૦ રન સાથે કરિયરનું સાતમું શતક ફટકાર્યું હતું. જેને લઇ તેણે પોતાનું પાંચમું સ્થાન જાળવી રાખ્યું છે. તેની આગળ ચોથા ક્રમે હાશિમ અમલા માત્ર ૧૧ પોઇન્ટ આગળ છે. આ દરમિયાન બોલરોમાં ઇશાંત શર્મા ત્રણ ક્રમ આગળ વધી ૧૮મા સ્થાને પહોંચ્યો છે. અમિત મિશ્રા ૩૭મા ક્રમે અને ઉમેશ યાદવ ૪૮મા સ્થાને છે. રવિચંદ્રન અશ્વિન ટોપ ૧૦માં આઠમા ક્રમે છે. શ્રીલંકાનો ધમ્મિકા પ્રસાદ ૨૨, નુવાન પ્રદીપ ૫૭ મેથ્યૂઝ ૭૧મા ક્રમ સાથે કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાં છે.

You might also like