આંદોલનની આગ બાદ અનામતનું વિશ્લેષણ

પાટીદાર અનામત આંદોલનમાં મહારેલીના સંપૂર્ણ સફળ આયોજન બાદ અસામાન્ય ઘટનાઓ કેવી રીતે બની? ભવિષ્યમાં આ ઘટનાની શું અસરો પડી શકે? જેવી ચર્ચાઓ ગુજરાતના ચોરે ને ચૌટે ચર્ચાઈ રહી છે ત્યારે અનામત આંદોલનની બાકી અસરો અંગે વિશ્લેષણ…

આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ અલ-જઝીરાની ૨૬ ઓગસ્ટની મુખ્ય હેડલાઇન હતી, ‘ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં તોફાનો, રાજ્ય આર્મીના હવાલે.’ પાકિસ્તાની અખબાર ધ ડોન, ચીની એજન્સી શિહ્યુઇ, અમેરિકાનું ન્યુયોર્ક ટાઇમ્સ, વૉશિંગ્ટન પોસ્ટ અને ધ વૉલ સ્ટ્રીટ જર્નલ સહિત વિશ્વખ્યાત વિદેશી મીડિયામાં ગુજરાતની અશાંતિને કંઈક આવું સ્થાન મળ્યું.

૧૩ વર્ષ બાદ ગુજરાતના નેગેટિવ ન્યૂઝનું કવરેજ વિશ્વ મીડિયામાં થયું છે. વાઇબ્રન્ટ ગુજરાત અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની યોજનાઓના સકારાત્મક ન્યૂઝનું કવરેજ વિશ્વમાં અનેક વાર આવી ચૂક્યું છે, પરંતુ ગુજરાતના નેગેટિવ ન્યૂઝ એક દાયકા બાદ આટલી મોટી માત્રામાં પહેલી વાર કવર થયા હતા. આ બધાનું મૂળ હતું પાટીદાર અનામત આંદોલનની મહારેલી. અમદાવાદમાં એકસાથે આઠથી દસ લાખ પાટીદારોની હાજરીમાં ક્રાંતિ રેલી યોજાઈ. ખુદ ગુજરાત સરકારે રેલી સંપૂર્ણ શાંતિ સાથે સંપન્ન થઈ હોવાની જાહેરાત કર્યા બાદ મોડી સાંજે આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણથી જે પરિસ્થિતિ સર્જાઈ તે વિશ્વ મીડિયાનો મુખ્ય મુદ્દો હતો.

૨૫મી ઓગસ્ટે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં અનામતની માગણી સાથે પાટીદાર સમાજે ક્રાંંતિ રેલી યોજી હતી. હાર્દિક પટેલ જેવા ૨૨ વર્ષના લવરમૂછિયા યુવાનની એક ત્રાડથી આઠથી દસ લાખ લોકો ભેગા થાય તે એક રેર ઘટના હતી. પાટીદારોની માગ ઓબીસીમાં સમાવેશ અંગેની છે અને ગુજરાતની આનંદીબહેન પટેલ સરકારે આ માગ ઠુકરાવી દીધી છે.

આ બધા વચ્ચે જીએમડીસી ગ્રાઉન્ડની ક્રાંતિ રેલીમાં અનેક ભયસ્થાનો હતાં. જોકે રેલીના આયોજકો અને સરકારે પણ આ ભયસ્થાનોને ધ્યાને લઈને માઇક્રો પ્લાનિંગ પણ કર્યું હતું. જોકે રેલી સફળ રીતે પૂર્ણ થયા બાદ મોડી સાંજે જે ઘટના ઘટી તે ગુજરાત માટે અસામાન્ય હતી. જીએમડીસી ગ્રાઉન્ડમાં ઉપવાસ પર બેઠેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલની અટકાયત, મીડિયા અને હાજર રહેલા લોકો પર અંધાધૂંધ લાઠીચાર્જ કરવામાં આવ્યો. તેની થોડીક જ ક્ષણો બાદ સમગ્ર રાજ્યમાં સ્થિતિ તંગ બની ગઈ હતી. 

જીએમડીસી ગ્રાઉન્ડની એ ઘટનાના એવા પડઘા પડ્યા કે, સમગ્ર પાટીદાર સમાજ રોડ પર આવી ગયો. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતનાં શહેરોમાં બસ અને પોલીસ ચોકી સળગાવવામાં આવી. અન્ય સરકારી મિલકતોને કરોડોનું નુકસાન કરાયું, ધારાસભ્યો-મંત્રીઓના ઘરે તોડફોડ થઈ. આ તંગ માહોલમાં પોલીસ અને તોફાની ટોળાં સામસામે આવી જતાં ઘર્ષણ વધ્યું. પોલીસે સેંકડો લોકોને ઘરમાં ઘૂસીને માર્યા. અમદાવાદના ઘાટલોડિયા, રાણીપ, સોલા, નિકોલ, નરોડા, વટવા, બાપુનગર જેવા વિસ્તારોમાં તો પોલીસે હદ વટાવી નાખી. અનેક સોસાયટીઓમાં ઘૂસીને લોકો પર અત્યાચાર ગુજારવાની સાથે પબ્લિક પ્રોપર્ટી એટલે કે લોકોનાં વાહનોની તોડફોડ કરી.

સુરતમાં પણ વરાછા, કાપોદરા જેવા વિસ્તારોમાં લોકોનાં ટોળાં અને પોલીસ સામે સામે આવી ગયાં. જેથી કર્ફ્યુ લાદવો પડ્યો. ઉત્તર ગુજરાતના ઊંઝા, મહેસાણા, કડી, પાટણમાં પણ સ્થિતિ ગંભીર બની અને ત્યાં પણ કર્ફ્યુ લાદવો પડ્યો. આ વિસ્તારોમાં આર્મી બોલાવીને વિસ્તારો આર્મીને હવાલે કરવા પડ્યા. આ સમગ્ર ઘટનામાં ૧૦ લોકોનાં મોત થયાં છે. આમ અનામત આંદોલનની માગણીથી ભડકેલી હિંસાએ ગુજરાતી સભ્ય સમાજને વિચારતો કરી દીધો છે.

પાટીદાર અનામત આંદોલનની આગને હાલ અનેક પ્રકારે જોવાઈ રહી છે. સૌ પ્રથમ પ્રશ્ન પોલીસની કાર્યવાહી પર ઊઠી રહ્યો છે. ક્રાંતિ રેલી શાંતિથી પૂર્ણ થઈ ગઈ હતી. હાર્દિક પટેલે મુખ્યમંત્રી આવેદનપત્ર જાતે સ્વીકારવા આવે તેવી અશક્ય માગણી મૂકી હતી. જેનાથી પાટીદાર રેલીમાં બે ભાગ પડી ગયા હતા. આંદોલનના મુખ્ય સૂત્રધાર એસપીજી ગ્રુપના લાલજી પટેલે પણ હાર્દિક પટેલ સાથે છેડો ફાડી દીધો હતો. વિવાદ બાદ હાર્દિક પ્રત્યેની લોકોની સહાનુભૂતિ ઓછી થઈ હતી. સભા સ્થળે હાર્દિક એકલો પડી ગયો હોવાનું જણાઈ આવતું હતું. આ સંજોગોમાં પોલીસે શા માટે અચાનક લાઠીચાર્જ કર્યો? શું પોલીસનો ઇરાદો મલિન હતો? કે ત્રાહિત હિતનો ઇરાદો આંદોલનને વધારે આક્રમક બનાવવાનો હતો?  કે પછી એક નેગેટિવ માહોલ ઊભો કરીને આંદોલનની દિશા ફંટાવવાનો કોઈ ઇરાદો હતો?

ગુજરાતનાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે જાતે જ એવી જાહેરાત કરી હતી કે, ક્રાંતિ રેલી સંપૂર્ણ પણે સફળ રહ્યાં બાદ મોડી સાંજે જીએમડીસી ગ્રાઉન્ડ પર કોઈ એવી ઘટના બની જેનાથી માહોલ બગડ્યો હતો, પરંતુ આ ઘટના શું હતી તે હજુ સુધી જાહેર થઈ નથી. પોલીસ સૂત્રો કહે છે, ‘આંદોલનકારીઓ અને ત્યાં ઊભેલાં ટોળાં વચ્ચે રકઝક થયા બાદ આ સ્થિતિનું નિર્માણ થયું અને વાત વણસી.’ જોકે આવા પ્રશ્નોના એક રીતે છેદ ઊડી જાય છે. આંદોલનને ખૂબ નજીકથી જોનારા કહે છે, ‘૫૫ દિવસથી ચાલતાં આંદોલનમાં પોલીસે આંદોલનકારીઓ સામે એક હરફ પણ ઉચ્ચાર્યો ન હતો, ત્યારે પોલીસ કોઈના આદેશ વગર અચાનક કોઈ આવું ભયાનક પગલું કેવી રીતે ભરી શકે?’

જોકે આ ઘટનામાં કેટલાક રાજકીય અને સામાજિક તર્ક ઊભા થઈ રહ્યા છે. એક વર્ગ એવું માને છે કે, પાટીદાર રેલી પૂરી થયા બાદ આંદોલનની ગતિ વધવાની હતી. આંદોલનકારીઓ રસ્તામાં જતી વખતે અથવા ગામડે પરત ફર્યા બાદ ફરીથી આંદોલનનો રસ્તો અખત્યાર કરે અને ઓબીસી વિરુદ્ધ પાટીદારની સ્થિતિ પેદા થાય તો ગુજરાતમાં આંતર વિગ્રહ ઊભો થાય. આ સમયે નાનું અમથું છમકલું પણ રાજ્યમાં વર્ગ વિગ્રહના મંડાણ લાવી દે તો પછીથી સ્થિતિને કાબૂમાં લેવી અઘરી બની જાય. 

કેટલાક નિષ્ણાતો કહે છે કે, ‘પાટીદારોની માગ ખોટી છે તેવું સરકાર જાહેર કરી ચૂકી છે. વળી, સરકારે પાટીદારોના ટેકામાં અનેક સવલતો આપી હતી. આ સંજોગોમાં આનંદીબહેનની પટેલ સરકાર જ પાટીદારોની રેલીને સફળ બનાવી રહી છે તેવો મેસેજ જાય તો સરકાર માટે ખરાબ દિવસો આવી શકે. બીજી જ્ઞાતિઓ સરકારનાં આ પગલાંને સાંખી લે તેમ ન હતી.

ઓક્ટોબરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવતી હોઈ ઓબીસી વર્ગને નારાજ કરવો સરકારને પોસાય તેમ નથી. આથી સરકાર પણ દેખાડી દેવામાં માંગતી હતી કે, અમે ખોટી માગણીને વશ નહીં થઈએ અને આ માત્ર પાટીદારની સરકાર નથી. આ ગણતરીને ધ્યાનમાં લઈને સરકારના ઇશારે જ પોલીસે જીએમડીસી ગ્રાઉન્ડમાં લાઠીચાર્જ કર્યો. જોકે સરકારને ખ્યાલ નહીં હોય કે, તેના આ પગલાંથી ગુજરાતની સ્થિતિ આટલી ખરાબ થઈ જશે.’

આમ હાલમાં પોલીસના લાઠીચાર્જ અંગેના જુદા જુદા તર્ક સામે આવી રહ્યા છે. પોલીસ કમિશનરે હજુ સુધી ડિટેઇલ તપાસ રિપોર્ટ સરકારને સબમિટ કર્યો નથી એટલે ખરેખર શું બન્યું હતું તે હાલ કહેવું મુશ્કેલ છે. પોલીસ અને રાજ્ય સરકારની આ થિયરી બાદ પણ બીજા અનેક તર્ક ચાલી રહ્યા છે. એક વર્ગ એવું માની રહ્યો છે કે, આનંદીબહેન પટેલની સરકારને અસ્થિર કરવાનું આ એક કાવતરું છે.

આનંદીબહેન ખુદ ગર્ભિત રીતે આ અંગેની ચેતવણી આપી ચૂક્યાં છે તે પણ નોંધવું રહ્યું. છેલ્લી કેટલીક સભામાં આનંદીબહેનનું ભાષણ સૂચક રહ્યું છે. થોડા સમય પહેલાં જ તેમણે એક સભામાં કહ્યું હતું કે, ‘મને દાતરડું ચલાવતાં પણ આવડે છે.’ આ સ્ટેટમેન્ટને પણ સરકાર સામે પડેલા લોકોના એક આયામ રૂપે લેવાઈ રહ્યું છે. તો એક વર્ગ એવું પણ માને છે કે, દિલ્હીમાં બેઠેલા લોકો આંદોલનના એક પ્યાદાને પોતાની પાસે રાખીને બેઠા છે. જોકે કોઈ હકીકત સામે આવતી નથી.

પાટીદાર આંદોલન બાદ ભડકેલી હિંસાની સ્થિતિ થાળે પડી રહી છે. જોકે ભવિષ્યમાં કેવા અને કેટલા પ્રત્યાઘાત પડશે તેની ચર્ચા પણ થઈ રહી છે. ઓક્ટોબર માસમાં રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આંદોલનની કેવી અસર પડે છે તે પણ અત્યારથી જોવાઈ રહ્યું છે.

પાટીદારો ભાજપની વોટબેંક છે, ત્યારે ભાજપ સરકારે જ પાટીદારો સામે દંડાવાળી કરી તે મેસેજ પાટીદારોના મગજમાં ઘર કરી ગયો છે. ચૂંટણીમાં પાટીદારો ભાજપને સબક શીખવાડશે કે કેમ તેના પર સૌની મીટ મંડાઈ છે. એક વર્ગ એવું પણ માની રહ્યો છે કે, પાટીદાર ભાજપથી નારાજ ખરા, પણ કોંગ્રેસ સાથે બેસવા હજુ પણ તૈયાર નથી. આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ પાર્ટી સક્રિય ન હોઈ પાટીદારોને કઈ બાજુ જવું તે સમજવું અઘરું છે.

પાટીદાર અનામત આંદોલન હવે અનેક આયામો પર ટક્યું છે. સામાજિક અને રાજકીય રીતે તેને અલગ-અલગ રીતે જોવાઈ રહ્યું છે, પરંતુ તે કઈ દિશામાં ફંટાશે તે સમયના ગર્ભમાં છુપાયેલું છે અને સમયના ગર્ભમાં છુપાયેલી વાતને ઝટ સમજી શકાતી નથી.

દેવસી બારડ

 

You might also like