આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખી રૂ.૩પ લાખના હીરાની લૂંટ  

અમદાવાદઃ ભાવનગરની એક જાણીતી આંગડિયા પેઢીના બે કર્મચારીઓની આંખમાં મરચાંની ભૂકી નાખી અને છરીથી હુમલો કરી રૂ.૩પ લાખની કિંમતના હીરા ભરેલા થેલાની લૂંટ ચલાવવામાં આવતાં આ ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી.

આ અંગેની વિગત એવી છે કે ભાવનગરના નિર્મલનગર ખાતે આવેલી પી. શૈલેશકુમાર નામની જાણીતી આંગડિયા પેઢીના બે કર્મચારીઓ દયાલજી પટેલ અને જયેશ લાલજીભાઇ બંને જણા પા‌િલતાણાની બ્રાન્ચમાંથી રૂ.૩પ લાખના હીરા લઇ બસમાં બેસી ભાવનગર આવ્યા હતા અને ‌ત્યાંથી રિક્ષામાં નિર્મલનગર ખાતેની ઓફિસે આવી રહ્યા હતા ત્યારે આટા મિલના ઢાળ પાસે ત્રણ અજાણ્યા બાઇકચાલકોએ રિક્ષા રોકી બંને આંગડિયા પેઢીના કર્મચારીઓની આંખમાં મરચું નાખી છરીથી હુમલો કર્યો હતો અને ત્યાર બાદ લૂંટારાઓ રૂ.૩પ લાખના હીરા સાથેના થેલાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

ઘટનાને પગલે પોલીસે ભાવનગર શહેર ફરતે નાકાબંધી કરી સઘન વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. દરમિયાનમાં મોડી રાત્રે ત્રણેય લુંટારા લૂંટના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હોવાનું જાણવા મળે છે. જોકે પકડાયેલા શખ્સોના નામ જાણવા મળ્યા નથી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

 

You might also like