અાગરામાં પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કરનારને ફાંસી અાપવાનો પ્રયાસ

અાગ્રાઃ ઉત્તરપ્રદેશના અાગ્રામાં વોટ્સએપ પર મોહંમદ પયગંબર અંગે કરેલી અભદ્ર ટિપ્પણી બાદ ભારે ધમાલ મચી ગઈ હતી. રોષે ભરાયેલા લોકોએ અારોપી શખસની બરાબર ધોલાઈ કરી હતી અને ચોક વચ્ચે ગળામાં ટુવાલ નાખીને તેને ફાંસી અાપવાની કો‌શિશ કરી હતી. અા અંગે જાણ થતાં યુવાનનાં પરિવારજનો સ્થળ પર પહોંચી ગયાં હતાં અને તેને બચાવ્યો હતો. 

અા ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં કોમી હિંસા ભડકી ઊઠી હતી. બંને સમુદાયના સેંકડો લોકો રસ્તા પર ઊતરી અાવ્યા હતા અને મારપીટ, અાગચંપીની ઘટનાઓ બની હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે મોરચો સંભાળીને એક ડઝનથી વધુ લોકોની અટકાયત કરી હતી. અા ઘટનામાં કનોજ પોલીસે વોટ્સએપ પર મોહંમદ પયગંબર અંગે અભદ્ર ટિપ્પણી કરનાર મુખ્ય અારોપી અભિષકુમાર સહિત સહિયે ગુપ્તા, રામબાબુ ગુપ્તા, રાજીવ ગુપ્તાની શાંતિભંગના અારોપમાં ધરપકડ કરી હતી. 

અા ઘટના અાગ્રાથી ૨૦ કિ.મી. દૂર શમશાબાદ વિસ્તારની છે. પયગંબર અંગે અાકાશ ગુપ્તા નામના એક શખસે વોટ્સએપ પર અભદ્ર ટિપ્પણી કરતાં તેના સમાચાર સમગ્ર વિસ્તારમાં વાયુવેગે પ્રસરી ગયા હતા. એક ખાસ સમુદાયના લોકોએ એકત્ર થઈને અાકાશને ઝડપી લીધો હતો. ડઝન જેટલા લોકો તેને મારઝૂડ કરવા લાગ્યા હતા અને તેને ફાંસી અાપી દેવાની માગણી કરી રહ્યા હતા. એવામાં કેટલાક લોકોએ અાકાશના ગળામાં એક ટુવાલથી ફંદો નાખી દીધો હતો અને લોકો તેને એક ઝાડ પર લટકાવવા જઈ રહ્યા હતા ત્યારે તેના પરિવારના લોકો અાવી પહોંચ્યા હતા અને બંને સમુદાયના લોકો વચ્ચે મારપીટ થયા બાદ અાકાશને છોડાવ્યો હતો. 

 

You might also like